Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

અનલોક ૪.૦ નું કાઉન્ટડાઉનઃ ૧લીથી વધુ છુટછાટો મળશે

દિલ્હીમાં મેટ્રોટ્રેન શરૂ કરવા મંજુરી આપશેઃ શાળા-કોલેજો શરૂ થવાની શકયતા ઓછી

નવી દિલ્હી તા. ર૯ : કેન્દ્ર સરકાર આજે અનલોક-૪.૦ ની ગાઇડલાઇન જાહેર કરશે. કોરોના વાઇરસ લોકડાઉન બાદ અર્થતંત્રને વધુ ખોલવા માટે૧ સપ્ટેમ્બરથી અનલોક-૪.૦ નો અમલ શરૂ થશે. કોરોના વાઇરસ લોકડાઉન બાદ દેશ અત્યારે અનલોક-૩.૦ ના તબકકામાં છે. અને હજુ પણ કેટલાય પ્રકારના પ્રતિબંધો લાગુ છે. કે જેથી કોરોનાનું સંક્રમણ ફેલાતાં રોકી શકાય. અનલોક-૪.૦માં કોવિડ-૧૯ હોટસ્પોટથી ઘરેલુ ફલાઇટને કોલકાતામાં લેન્ડ થવાની મંજુરી આપવામાં આવશે. ૧ સપ્ટેમ્બરથી છ શહેર દિલ્હી, મુંબ, પુણે, નાગપુર, ચેન્નઇ અને અમદાવાદથી વિમાની સેવાઓ સપ્તાહમાં ત્રણ વખત ફરીથી શરૂ થઇ શકે છે.

આજે જાહેર થનારી અનલોક-૪.૦ ની ગાઇડલાઇન્સમાં સૌથી વધુ લોકોને એવી અપેક્ષા છે કે શું સરકાર ૧ સપ્ટેમ્બરથી શાળાઓ ફરીથી શરૂ કરશે કે જેથી બાળકોનો અભ્યાસ શરૂ થઇ શકે. છેલ્લા છ મહિનાથી કોરોનાના વાઇરસને કારણે શાળા-કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. આ સંદર્ભમાં લોકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર શાળા-કોલેજો ખોલવા અંગે કોઇ નિર્ણય જાહેર કરે. જો કે ભારતમાં અત્યારે કોવિડ-૧૯ ના કેસ ૩૩ લાખને વટાવી ગયા છે. તે જોતાં નજીકના ભવિષ્યમાં શાળા-કોલેજો ખુલવાની કોઇ સંભાવના જણાતી નથી.

શાળા-કોલેજોની સાથે કોરોના વાઇરસને કારણે હજુ પણ ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે શરૂ કરાઇ નથી. દેશનાં કેટલાંક શહેરોમાં કેટલીક સ્પેશિયલ ટ્રેન સેવાઓ ચાલુ છે, પરંતુ સામાન્ય ટ્રેન સેવાઓ હજુ ચાલુ કરવામાં આવી નથી. એ જ રીતે દિલ્હીની લાઇફલાઇન અને મુંબઇની જીવાદોરી ગણાતી અનુક્રમે મેટ્રો ટ્રેન અને લોકલ ટ્રેન ચાલુ થવા અંગે હજુ પણ શંકા પ્રવર્તે છે.

જો કે કેન્દ્ર સરકાર દ્વારા મેટ્રો ટ્રેન સેવાને ફરીથી શરૂ કરવાની મંજુરી અપાય તેવી શકયતા છે., મેટ્રો ટ્રેન સેવા માટે કોન્ટેકટલેસ ટિકિટિંગ સેવા લાગુ કરવામાં આવશે અને પ્રવાસીઓને હવે ટોકનનો ઉપયોગ કરવાની મંજુરી નહીં અપાય.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સિનેગૃહો પણ બંધ રાખવામાં આવશે. કારણે કે રપ થી ૩૦ ટકા ક્ષમતા ધરાવતા શોનું સંચાલન કરવું શકય નથી. અનલોક-૪.૦ શરાબ વેચવાની મંજુરી આપવામાં આવી શકે છે. પરંતુ આ મંજુરી ગ્રાહકો દ્વારા શરાબને ઘરે લઇ જવા માટેઅપાશે એટલે કે હજુ પણ બારમાં બેસીને શરાબ પીવા પર પ્રતિબંધ ચાલુ રહેશે.

ઝારખંડમાં મુખ્ય પ્રધાન હેમંત સોરેને કેન્દ્ર સરકાર જાહેર કરે તે પહેલા જ રાજયમાં આગામી અનલોક-૪.૦ ની ગાઇડલાઇન જારી કરી દીધી છે. અનલોક-૪.૦નો આ તબકકો રાજયમાં ૩૦, સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. નવી ગાઇડલાઇનમાં કોઇ ખાસ છુટછાટ આપવામાં આવી નથી.

(3:37 pm IST)