Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સારા વરસાદથી અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકાશે : થશે રેકોર્ડબ્રેક વાવેતર

કૃષિ ઉત્પાદનના ઢગલા થશે : ખેડૂતો માટે સારા સમાચાર

નવી દિલ્હી તા. ૨૯ : ભારતના ગ્રામીણ અર્થતંત્રને જોરદાર બળ મળવાના સારા સંજોગો સર્જાયા હોય તેમ ભારતમાં ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક ખરીફ વાવેતર થયું છે. જેને પગલે વિક્રમી માત્રામાં કૃષિ ઉત્પાદન થવાની શકયતા છે. કોરોના મહામારીનો ગભરાટ તથા દેશના અનેક ભાગોમાં પૂરના કહેર વચ્ચે સર્વત્ર સંતોષકારક વરસાદ થયો હોવાથી અત્યાર સુધીનું સૌથી વધુ વાવેતર થયું છે.

કોરોના લોકડાઉનને કારણે અર્થતંત્ર અસ્તવ્યસ્ત છે અને વિકાસદરમાં ગાબડુ છે તેવા સમયે પણ કૃષિક્ષેત્ર સારો વિકાસ દર્શાવે તેવી શકયતા છે.દેશના કેટલાક ભાગોમાં અત્યાધિક વરસાદથી કૃષિક્ષેત્રને થોડુ ઘણુ નુકશાન થવાની આશંકા છતાં સાર્વત્રિક સારા વરસાદ, જંગી વાવેતર તથા સરકારની પ્રોત્સાહક ખરીપ નીતિ ખેડૂતો તથા ગ્રામ્ય અર્થતંત્રને નવું બળ આપનાર સાબીત થવાનું મનાય છે. લોકડાઉન દરમ્યાન કોર્પોરેશન ખરીદી ચાલુ રાખી હતી અને નાણાં પણ ચૂકવી દીધા હોવાથી ખેડૂતોને રાહત છે.

ભારતમાં અત્યાર સુધીનું ખરીફ વાવેતર ૧૦૮૨ લાખ હેકટરમાં થયું છે જે ગત વર્ષના આ સમયગાળામાં ૧૦૧૦ લાખ હેકટરમાં હતું. સાત ટકાનો વધારો સુચવાય છે. તેલીબીયા, કઠોળ તથા ડાંગરના વાવેતરમાં વધારો છે. આ અગાઉ ભારતમાં ૨૦૧૬માં ૧૦૭૫ લાખ હેકટરમાં વાવેતરનો રેકોર્ડ હતો. છેલ્લા પાંચ વર્ષથી સરેરાશ ૧૦૬૬ લાખ હેકટરમાં ખરીફ વાવેતર થાય છે.સરકારી સુત્રોના કહેવા પ્રમાણે સમયસર અને સંતોષકારક વરસાદ તથા સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે કૃષિક્ષેત્રે પ્રોત્સાહન છે અને વાવેતર વધ્યું છે. લોકડાઉન વખતે પણ ખેડૂતોને ખેતી કામની છૂટ આપવામાં આવી હતી એટલે કૃષિ કામગીરીને કોઇ અસર નહીં થવાનો દાવો કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંઘ તોમરે કર્યો હતો.

કોરોના મહામારીની કૃષિ ક્ષેત્ર પર કોઇ ખાસી અસર નથી. કેટલાક રાજયોમાં હજુ ડાંગરનું વાવેતર ચાલુ છે એટલે કુલ વાવેતર વિવસ્તારનો આંકડો હજુ વધી શકે છે. ૨૦૨૦-૨૧નું કૃષિવર્ષમાં વિક્રમી વાવેતરની સાથોસાથ કૃષિ ઉત્પાદનનો પણ રેકોર્ડ થવાનો તથા ૨૯.૮ કરોડ ટનના લક્ષ્યાંકથી પણ કૃષિ ઉત્પાદન વધી જવાનો આશાવાદ છે. ભારતમાં સૌથી વધુ વાવેતર ડાંગરનું થતું હોય છે. ચાલુ વર્ષે ૩૫ લાખ હેકટરમાં વધુ છે. તેલંગાણા, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ જેવા રાજયોમાં વાવેતર વધ્યું છે.

(3:39 pm IST)