Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

મારી ઝાંસી આત્‍મનિર્ભર ભારત બનાવવામાં પ્રમુખ ભૂમિકા ભજવશેઃ કેન્‍દ્રીય કૃષિ યુનિવર્સિટી કોલેજના ભવનના ઉદ્‌ઘાટન વખતે બુંદેલખંડ પરથી પીએમ મોદીનું નિવેદન

નવી દિલ્હી: કોરોના સંકટમાં પણ કેન્દ્ર સરકાર દેશના તમામ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આપદાને અવસર, આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને મેક ઈન ઈન્ડિયા દ્વારા દેશને સતત અગાઉ જેવી ગતિ આપવાની કોશિશ થઈ રહી છે. આ જ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ઝાંસી સ્થિત કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીની કોલેજ અને પ્રશાસનિક ભવનનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ કોલેજ બિલ્ડિંગનું ઉદ્ધાટન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું.

આ અવસરે તેમણે કહ્યું કે, 'રાણી લક્ષ્મીબાઈએ એક સમયે બુંદેલખંડની ધરતી પર  ગર્જના કરી હતી કે હું મારી ઝાંસી નહીં આપું. આજે બુંદેલખંડની ધરતીથી આ ગર્જનાની જરૂર છે કે મારી ઝાંસી આત્મનિર્ભર ભારત બનાવવામાં પ્રમુખ ભૂમિકા ભજવશે. અમે પૂરી તાકાત લગાવી દઈશું.'

પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'આજે બીજથી લઈને બજાર સુધી  ખેતીની ટેક્નોલોજીને જોડવાનું, આધુનિક રિસર્ચના ફાયદાને જોડવાનું સતત કામ થઈ રહ્યું છે. તેમાં મોટી ભૂમિકા રિસર્ચ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓની પણ છે.'

તેમણે કહ્યું કે, 'કૃષિમાં આત્મનિર્ભરતાનો લક્ષ્યાંક ખેડૂતોને એક ઉત્પાદકની સાથે સાથે જ વેપારી બનાવવાનો પણ છે. જ્યારે ખેડૂત અને ખેતી, ઉદ્યોગ તરીકે આગળ વધશે તો મોટા સ્તર પર ગામડામાં અને ગામડાની આસપાસ જ રોજગાર અને સ્વરોજગારની તકો પણ સર્જાશે.'

પીએમએ કહ્યું કે, 'જ્યારે આપણે કૃષિમાં આત્મનિર્ભરતાની વાત  કરીએ છીએ ત્યારે તે ફક્ત ખાદ્યઅન્ન સુધી જ સિમિત નથી. તે ગામની સમગ્ર અર્થવ્યવસ્થાના આત્મનિર્ભરની વાત છે. આ દેશમાં ખેતીથી પેદા થનારા ઉત્પાદનોમાં વેલ્યુ એડિશન કરીને દેશ અને દુનિયાના બજારોમાં પહોંચવાનું મિશન છે.'

પીએમ મોદીએ કહ્યું કે ત્રણ વધુ રાષ્ટ્રીય સંસ્થાનો IARI-ઝારખંડ, IARI-આસામ અને મોતીહારીમાં Mahatma Gandhi Institute for Integrated Farming ની સ્થાપના થઈ રહી છે. તે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને નવી તકો આપવાની સાથે સ્થાનિક ખેડૂતો સુધી ટેક્નોલોજીનું જ્ઞાન પહોંચાડવાનું અને તેમની ક્ષમતા વધારવાનું કામ પણ કરશે. આજે બીજથી લઈને બજાર સુધી ખેતીને ટેક્નોલોજી સાથે જોડવાનું, આધુનિક રિસર્ચના ફાયદા જોડવાનું સતત કામ થઈ રહ્યું છે. તેમાં મોટી ભૂમિકા રિસર્ચ સંસ્થાનો અને કૃષિ યુનિવર્સિટીઓની પણ છે.

અત્રે જણાવવાનું કે રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીનું આ ઉદ્ધાટન લાંબા સમયથી ટળી રહ્યું હતું. અનેકવાર તારીખ જાહેર થતા થતા રહી ગઈ. પીએમ મોદીએ પોતે જાણકારી આપી હતી કે તેઓ આજે સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીની કોલેજ બિલ્ડિંગનું ઉદ્ધાટન કરશે.

કૃષિ ક્ષેત્રમાં શોધનો દાવો

યુનિવર્સિટી દ્વારા શિક્ષણમાં બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થશે અને કૃષિની સાથે સાથે ખેડૂત કલ્યાણમાં અત્યાધુનિક શોધમાં સહયોગ મળશે. યુનિવર્સિટીએ 2014-15માં પોતાનું પહેલું શૈક્ષણિક સત્ર શરૂ કર્યું અને કૃષિ, બાગકામ, અને વનીકરણમાં બેચલર અને તેની આગળના અભ્યાસ માટે પાઠ્યક્રમ ચલાવી રહી છે.

(4:57 pm IST)