Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

હવે કાર હવામાં ઊડતી નજરે પડશે : જાપાન દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે ફ્લાઇંગ કાર

ફ્લાઈંગ કારના પ્રોટોટાઈપ મોડેલને મળેલી સફળતા : વિશ્વમાં ફ્લાઈંગ કારના ચાલી રહ્યા છે ૧૦૦ થી વધારે પ્રોજેક્ટ

ટોકિયોઃ કહેવાય છે કલ્પનાઓને ક્યારેય પાંખો હોતી નથી. હવે કલ્પનાઓની આ જ પાંખો પર સવાર થઈને આવી રહી છે જાપાનીઝ ફ્લાઇંગ કાર. જાપાનીઝ ફ્લાઇંગ કારે તેના પ્રોટોટાઇપને એક વ્યક્તિને ઓનબોર્ડ રાખીને દસ મિનિટ સુધી હવામાં રહેવામાં સફળતા મેળવી છે. તેનો હવે પછીનો લક્ષ્યાંક 30 મિનિટનો છે.

આમ હવે ફોર વ્હીલરને ચલાવતા-ચલાવતા વિમાનમાં રૂપાંતરિત કરવાનું દાયકા જૂનું સ્વપ્ન સાચુ થવાની દિશામાં આગળ વધ્યુ છે. જાપાનના સ્કાયડ્રાઇવ ઇન્કો.એ ફ્લાઇંગ કારનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. તેણે એક વ્યક્તિને બેસાડીને તેની નવી ટેસ્ટ ફ્લાઇટમાં સફળતા મેળવી હતી.

શુક્રવારે રિપોર્ટરોને બતાવવામાં આવેલા વિડીયો મુજબ એક પાતળી મોટરસાઇકલની સાથે પ્રોપલર્સ તે વાહનને જમીન પરથી એકથી બે મીટર ઊંચે ઉઠાવે છે અને ચાર મિનિટ સુધી તે હવામાં ટકેલું રહે છે.

સ્કાયડ્રાઇવ પ્રોજેક્ટના હેડ ટોમોહિરો ફુકુઝાવાએ આ પ્રયત્ન અંગે જણાવ્યું હતું કે તેમને આશા છે કે 2023 સુધીમાં ફ્લાઇંગ કાર રિયલ પ્રોડક્ટ બની જાય. તેની સાથે તેમણે ઉમેર્યુ હતુ કે તેને સલામત બનાવવું અત્યંત મહત્ત્વનું છે.

તેમણે એસોસિયેટેડ પ્રેસને જણાવ્યું હતું કે વિશ્વમાં 100થી વધુ ફ્લાઇંગ કાર પ્રોજેક્ટ છે, તેમાથી ગણ્યાગાંઠ્યાને સફળતા સાંપડી છે. હું આશા રાખું છું કે ઘણા લોકો તેની સવારીની સાથે સલામતી પણ ઇચ્છે છે. આ મશીન હાલમાં પાંચથી દસ મિનિટ ઉડી શકે છે. પરંતુ જો તે 30 મિનિટ સુધી ઉડી શકે તો તેની સંભાવનાનો વ્યાપ વધશે, તેમા ચીન જેવા દેશોમાં નિકાસનો સમાવેશ થાય છે, એમ ફુકુઝાવાએ જણાવ્યું હતું.

એરોપ્લેન અને હેલિકોપ્ટર, ઇવીટીઓએલ (EVTOL) કે ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ ઝડપી પોઇન્ટ-ટુ-પોઇન્ટ પર્સનલ ટ્રાવેલ ઓફર કરે છે. આના માટે એરપોર્ટ અને ટ્રાફિક જામથી છૂટકારો મેળવી શકાય છે અને વિમાનચાલકને રાખવાના ખર્ચથી પણ બચી શકાય છે, કારણ કે તે આપમેળે ઉડે છે. જો કે તેનું કોમર્સિયલાઇઝેશન કરતી વખતે બેટરીનું કદ, એરટ્રાફિક કંટ્રોલ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પડકારોનો સામનો કરવાનો આવી શકે છે.

ઇવીટીઓએલ એરક્રાફ્ટ પર કામ કરી રહેલા પિટર્સબર્ગ નજીક ન્યૂ અર્થ ઓટોનોમીના સહસ્થાપક તથા કાર્નેગી મેલિન યુનિવર્સિટી ખાતે રોબોટિક્સ ઇન્સ્ટિટ્યુટના પ્રાધ્યાપક સંજીવ સિંઘે જણાવ્યું હતું કે ઘણુ બધુ બની શકે છે. તે પણ ઇવીટીઓએલ એરક્રાફ્ટ પર કામ કરી રહ્યા છે.

સિંઘે જણાવ્યું હતું કે જો તેનો ભાવ દસ લાખ ડોલર હશે તો તેને કોઈ નહી ખરીદે. તે પાંચ મિનિટ માટે જ ઉડી શકે તો તેને કોઈ નહી ખરીદે. જો તે આકાશમાંથી વારંવાર પડી જતું હોય તો તેને કોઈ નહી ખરીદે.

સ્કાયડ્રાઇવ પ્રોજેક્ટ 2012માં સ્વૈચ્છિક પ્રોજેક્ટ તરીકે શરૂ થયો હતો. તેને કેર્ટિવેટરનું નામ અપાયું હતું. ટોચની જાપાનીઝ કંપનીઓ ટોયોટો મોટર કોર્પ, ઇલેક્ટ્રોનિક્સ કંપની પેનેસોનિક કોર્પ અને વિડીયો ગેમ ડેવલપર બંડાઈ નામ્કો દ્વારા તેનું ફંડિંગ કરવામાં આવ્યું છે.

પ્રથમ ત્રણ વર્ષ તો ડેમોન્સ્ટ્રેશન ફ્લાઇટની કામગીરી નબળી રહી હતી. પરંતુ તેણે પછી સુધારો નોંધાવ્યો અને પ્રોજેક્ટને તાજેતરમાં 3.9 અબજ યેનનું ફંડિંગ મળ્યુ છે, તેમા ડેવલપમેન્ટ બેન્ક ઓફ જાપાનનો પણ સમાવેશ થાય છે. જાપાનીઝ સરકાર પણ જેટ્સન વિઝન પ્રોજેક્ટ અંગે ભારે આશાન્વિત છે અને તેણે 2023 સુધીમાં બિઝનેસ સર્વિસિસ માટે તેનો રોડમેપ પણ બનાવ્યો છે અને 2030 સુધીમાં તો તેનો વ્યાપારી ધોરણે ઉપયોગ વિસ્તારવા સુધીની તૈયારી કરી છે. તેની પાછળનું મુખ્ય ધ્યેય અંતરિયાળ વિભાગોને જોડવાનું અને હોનારતો સામે લાઇફલાઇન પૂરી પાડવાનું છે.

(6:06 pm IST)