Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ખેડૂત જેની પૂજા કરે છે તેને જ વિપક્ષે આગ લગાવી લીધી

પીએમ મોદીનો પલટવાર : વિરોધ કરનારાઓ ખેડૂતોને આઝાદ થવા દેવા માંગતા નથી : નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ છ પરિયોજનાઓનું કર્યું ઓનલાઇન લોકાર્પણ

નવી દિલ્હી તા. ૨૯ : ગંગા સફાઇ અભિયાન મોદી સરકાર માટે પ્રારંભથી જ ઘણો મહત્વનો મુદ્દો રહ્યો છે. આજે આ કડીમાં નવા આયામ જોડાવા જઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'નમામિ ગંગે મિશન' હેઠળ ઉત્તરાખંડમાં ૬ મેગા પરિયોજનાઓનું વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જળ જીવન મિશનથી દરેક ઘર સુધી શુદ્ઘ જળ પહોંચાડવામાં આવશે. ગંગા આપણી વિરાસતનું પ્રતીક છે. ગંગા દેશની અડધી જનસંખ્યાને સમૃદ્ઘ કરે છે. પહેલા પણ ગંગાની સફાઇને લઇને મોટા અભિયાન ચલાવામાં આવ્યાં, પરંતુ તેમાં જનભાગીદારી નહોતી. જો તે જ રીતે કર્યું હોત તો ગંગા સાફ ના થઇ હોત.

પીએમ મોદીએ કહ્યું કે વિરોધ કરનારાઓ ખેડૂતોને આઝાદ થવા દેવા માગતા નથી. ખેડૂત જેની પૂજા કરે છે તેને જ આગ લગાવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં MSP રહેશે અને વિપક્ષ જે MSP પર દાવો કરી રહ્યા છે તેઓ ખોટા છે.

પીએમ મોદીએ કૃષિ બિલ પર ચાલી રહેલા વિરોધ પર પ્રતિક્રિયા આપી. પીએમ મોદીએ કહ્યું કે ખેડૂત બિલ પર દેશના ખેડૂતો, શ્રમિકો અને દેશના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સુધાર કરવામાં આવ્યાં છે. આ સુધારાથી દેશના શ્રમિકો સશકત બનશે, દેશનો નૌજવાન સશકત બનશે, દેશની મહિલાઓ સશકત થશે, દેશનો ખેડૂત સશકત થશે, પરંતુ આજે દેશ જોઇ રહ્યો છે કે કેટલાંક લોકો વિરોધ ખાતર વિરોધ કરી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે જયારે કેન્દ્ર સરકારે ખેડૂતોને તેમનો અધિકાર આપવા જઇ રહી છે, તો પણ આ લોકો વિરોધ કરી રહ્યાં છે. આ લોકો ઇચ્છે છે કે દેશનો ખેડૂત ખુલ્લા માર્કેટમાં પોતાનો પાક ન વેચી શકે. જે સામાનોની, ઉપકરણોની ખેડૂત પૂજા કરે છે, તેને આગ લગાવી આ લોકો ખેડૂતોનું અપમાન કરી રહ્યાં છે.

(3:26 pm IST)