Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

આર્મીનિયા-અજરબૈજાનના યુદ્ધમાં ૮૦ લોકોનાં મોત

નાગોરનો-કારાખાબના વિવાદિત ક્ષેત્રને તંગદિલી : બન્ને દેશો વચ્ચેની કટોકટી ટાળવા પ્રયાસ પણ જો ન ટળે તો રશિયા અને તૂર્કી પણ યુધ્ધમાં ઝંપલાવે એવી સંભાવના

યેરેવાન, તા. ૨૯ : કાકેશસ ક્ષેત્રના બે દેશો આર્મેનિયા અને અઝરબૈજાનની વચ્ચે વિવાદિત ક્ષેત્ર નાગોરનો-કારાબાખને લઈને  શરુ થયેલું ભીષણ યુદ્ધ સોમવારે બીજા દિવસે પણ ચાલુ રહ્યું. બંને દેશોએ એકબીજા પર ટેક્ન્સ, તોપો અને હેલિકોપ્ટરથી ઘાતક હુમલાઓ કરવાનો આરોપ લગાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં ૮૦ થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, યુદ્ધ જેમ જેમ તીવ્ર બની રહ્યું છે તેમ, રશિયા અને નાટો દેશોએ તુર્કી આમાં ઝંપલાવે એવો ખતરો જોવા મળી રહ્યો છે.

અઝરબૈજાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે આર્મેનિયન દળોએ સોમવારે સવારે ટારટાર શહેર પર ગોળીબાર શરૂ કર્યો હતો. તે સમયે, આર્મેનિયાના અધિકારીઓએ કહ્યું કે લડત રાતોરાત ચાલુ રહી હતી અને અઝરબૈજાને સવારે ઘાતક હુમલો શરૂ કર્યો હતો. બંને બાજુથી ટેક્ન્સ, તોપો, ડ્રોન અને લડાકુ વિમાનોથી હુમલો કરાઈ રહ્યો છે. અઝરબૈજાનના સંરક્ષણ મંત્રાલયે સોમવારે ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે લડાઇમાં ૫૫૦ થી વધુ આર્મેનિયન સૈનિકો માર્યા ગયા છે.

દરમિયાન આર્મેનિયન સત્તાવાળાઓએ દાવાને ફગાવી દીધો છે. આર્મેનિયાએ એવો દાવો પણ કર્યો હતો કે ચાર અઝરબૈજાન હેલિકોપ્ટર તોડી પડાયા છે. જે વિસ્તારમાં આજે સવારે યુધ્ધ શરૂ થયું વિસ્તાર અઝરબૈજાન હેઠળ આવે છે પરંતુ અહીં ૧૯૯૪ થી આર્મેનિયા સમર્થિત દળોનો કબજો છે. કટોકટીને ધ્યાનમાં રાખીને અઝરબૈજાનના કેટલાક વિસ્તારોમાં લશ્કરી કાયદો લાદવામાં આવ્યો છે અને કેટલાક મોટા શહેરોમાં પણ કર્ફ્યુના આદેશો આપવામાં આવ્યા છે. દરમિયાન, આર્મેનિયા અને અઝરબૈજાનમાં વકરી રહેલા યુદ્ધને કારણે રશિયા અને તુર્કી તેમાં ઝંપલાવે એવો ખતરો છે. રશિયા આર્મેનિયાને સમર્થન આપી રહ્યું છે, તો અઝરબૈજાનની સાથે નાટો દેશો તુર્કી અને ઇઝરાઇલ છે. ન્યુ યોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ આર્મેનિયા અને રશિયા વચ્ચે સંરક્ષણ સંધિ છે અને જો અઝરબૈજાનના હુમલા આર્મેનિયાની ભૂમિ પર થાય છે, તો રશિયાએ સામે આવવું પડી શકે છે. બીજી તરફ, આર્મેનિયાએ કહ્યું છે કે તેની ધરતી પર પણ કેટલાક હુમલા થયા છે. બીજી બાજુ, તુર્કી અઝરબૈજાનની સાથે છે. તુર્કીએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે અમે સમજીએ છીએ કે કટોકટી શાંતિપૂર્ણ રીતે હલ થશે, પરંતુ આર્મેનિયન પક્ષ હજી સુધી આમ કરવા તૈયાર નથી જણાતો. તુર્કીએ કહ્યું કે અમે આર્મેનીયા અથવા અન્ય કોઈ દેશની આક્રમક કાર્યવાહી સામે અઝરબૈજાનના લોકોની સાથે ઊભા રહીશું. એવું માનવામાં આવે છે કે તુર્કીનો ઈશારો રશિયા તરફ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રશિયા અને તુર્કીમાં પહેલેથી લિબિયા અને સીરિયાના ગૃહ યુદ્ધમાં તલવારો ખેંચાયેલી છે.

પછી પણ, બંને દેશોમાં વ્યાપક વેપાર સંબંધો છે. યુ.એસ.થી નાખુશ તુર્કીએ રશિયા પાસેથી એસ -૪૦૦ મિસાઇલ સંરક્ષણ પ્રણાલી ખરીદી છે. બીજી તરફ, તુર્કી બનાવટનો હુમલાખોર ડ્રોન વિમાન નાગોરનો-કારાબાખમાં આર્મેનિયન ટેક્ન્સનો શિકાર કરી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે રશિયા તેને સહન કરશે નહીં અને કડક પગલાં ભરી શકે છે.

(7:46 pm IST)