Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ભારતે હાંસલ કર્યો વધુ એક મુકામ

દર ચારમાંથી એક ભારતીયનું પુરૂ થયું રસીકરણ

૪૩.૫ ટકા લોકોને અપાયો એક ડોઝ

નવી દિલ્હી તા. ૨૯ : ભારતમાં ચાલી રહેલ રસીકરણ અભિયાને મંગળવારે વધુ એક રેકોર્ડ નોંધાવી દીધો હતો. હવે દર ચારમાંથી એક ભારતીય એટલે ૨૪.૮ ટકા લોકોનું રસીકરણ થઇ ગયું છે એટલે કે બંને ડોઝ અપાઇ ગયા છે. જ્યારે ૪૩.૫ ટકા લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળી ચૂકયો છે.

ભારતે આ મુકામ એવા સમયે હાંસલ કર્યો છે. જ્યારે દેશમાં છેલ્લા છ મહિનાથી પણ વધારે સમય પછી કોરોનાના એકટીવ કેસ ૩ લાખથી નીચે આવી ગયા છે. મંગળવાર સાંજ સુધીના આંકડાઓ અનુસાર ભારતમાં ૬૪.૨૫ કરોડ લોકોને કોરોના રસીના ૮૭.૬૨ કરોડ ડોઝ અપાઇ ચૂકયા છે. હવે ચીન પછી ભારત એવો બીજો દેશ છે જ્યાં સૌથી વધારે લોકોને રસીનો એક ડોઝ અપાયો છે.

આમાંથી ૨૩ કરોડ ૩૬ લાખ લોકોને રસીના બંને ડોઝ અને ૪૪.૮૯ કરોડ લોકોને એક ડોઝ અપાઇ ગયો છે. આનો અર્થ એ થાય છે કે દેશની ૧૮ વર્ષથી વધુ વયની ૨૪.૮ ટકા વસ્તીનું રસીકરણ પુરૃં થયું છે. આ આંકડો આજે ૨૫ ટકાની ઉપર જતો રહેશે.

પણ બીજી તરફ ભારતના સાત મોટા રાજ્યો રસીકરણમાં હજુ પણ રાષ્ટ્રીય સરેરાશથી પાછળ છે. યુપીમાં બંને ડોઝની સરેરાશ સૌથી ઓછી ૧૩.૬ ટકા છે. જ્યારે બિહારમાં ૧૪.૫ ટકા અને ઝારખંડમાં ૧૬.૨ ટકાનું રસીકરણ પુરૃં થયું છે.

સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં અત્યાર સુધીમાં ૨૨.૮૫ કરોડ ડોઝ અપાયા છે અને મહિનો પુરો થવામાં હજુ બે દિવસ બાકી છે. તો ઓગસ્ટ મહિનામાં ભારતમાં કુલ ૧૮.૩૫ કરોડ ડોઝ અપાયા હતા એટલે કે રોજના સરેરાશ ૫૯ લાખ ડોઝ અપાતા હતા. સપ્ટેમ્બરમાં આ સરેરાશ વધીને ૮૦ લાખ ડોઝે પહોંચી છે.

(9:46 am IST)