Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

દેશભરના પેટ્રોલ પંપોમાં અરાજકતા

બ્રિટનમાં ઇંધણનું સંકટ વધુ ઘેરૂ બન્યું : પેટ્રોલ પંપો ઉપર ભારે ભીડઃ પાણીની બોટલોમાં ભરવા મજબૂરી

લંડન,તા. ૨૯: બ્રિટનમાં પેટ્રોલ સંકટની પરિસ્થિતી જેમની તેમ છે. છેલા એક અઠવાડીયામાં મોટાભાગના પંપો પર પેટ્રોલ-ડીઝલ બાબતે લોકોમાં બહુ ગભરાટ અને બેચેની છે. સ્થાનિક મીડીયા રિપોર્ટોથી જાણવા મળે છે કે દેશભરમાં મોટાભાગના પેટ્રોલ પંપો પર અરાજકતાની સ્થિતી છે.

સોશ્યલ મીડીયા પર વાયરલ ઘણા વીડીયોમાં પેટ્રોલ પંપો બહાર માઇલો લાંબી લાઇનો જોવા મળી રહી છે. આ ઉપરાંત ગભરાયેલા નાગરિકો નાની નાની બોટલોમાં પણ જેટલુ મળી શકે તેટલુ પેટ્રોલ ભેગુ કરી રહ્યા છે. સામાન્ય રીતે રોજનું ૨૦ થી ૩૦ હજાર લીટર પેટ્રોલ વેચનારા ગેસ સ્ટેશનનો પર અત્યારે ૧ લાખ લીટરથી વધારેનું વેચાણ થઇ રહ્યુ છે. બ્રિટનમાં કેટલાય પંપો પર આના માટે લડાઇ પણ થઇ રહી છે.

અહિં સ્થિતી એટલી ભયાનક છે કે બ્રિટીશ મેડીકલ એસોસીએશન (બીએમએ) એ આરોગ્ય કર્મીઓને પ્રાથમિકતાના આધારે પેટ્રોલ આપવા આહવાન કરવું પડ્યું છે કમ કે નહીંતર હેલ્થ સીસ્ટમ પર અસર થઇ શકે છે.

બ્રિટીશ સરકારે સંકટ સામે નિપરવા માટે સૈન્યને તૈયાર રહેવા કરી દીધુ છે. જો કે એ પણ સ્પષ્ટતા કરાઇ છે કે આ સમસ્યા પેટ્રોલની અછતની નથી અને દેશમાં પુરતો સ્ટોક છે. બ્રિટનમાં ઓઇલ કંપનીઓએ પણ સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલની અછત નથી. આ સમસ્યા ગભરાટમાં કરાઇ રહેલી ખરીદીના કારણે ઉભી થઇ છે.

બીબીસીએ જણાવ્યું કે ઓઇલ કંપની બીપીની ગયા અઠવાડીયે પોતાના કેટલાક પેટ્રોલ પંપ હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત પછી પેટ્રોલ અંગે દહેશત ફેલાઇ ગઇ હતી. બ્રિટનના પેટ્રોલપંપો ફયુઅલ અછતના કારણે આ સંકટનો સામનો નથી કરી રહ્યા પણ તેનું મુખ્ય કારણ સપ્લાય ચેનમાં ભંગાણનું છે. સ્પષ્ટ વાત કરીએ તો બ્રિટન ભારે માલ વાહન (એચજીવી) અને ટ્રક ચલાવનારા ડ્રાઇવરોની અછતનો સામનો કરી રહ્યું છે.

દેશમાં એક લાખથી વધારે ટ્રક ડ્રાઇવરોની ઘટ છે અને આ એક બહુ ગંભીર સમસ્યા છે. જેના લીધે કરીયાણાનો સામાન અને ઇંધણથી માંડીને કેટલીય વસ્તુઓ અને સેવાઓના સપ્લાયને અસર થઇ છે. નિષ્ણાંતોના મતે ટ્રક ડ્રાઇવરોની વર્તમાન અછત, ઇંગ્લેન્ડ યુરોપીય યુનિયનમાંથી નીકળી જવાના કારણે ઉભી થઇ છે. બ્રેકઝીટ પછી કેટલાય યુરોપીયન ડ્રાઇવરો બીજે કયાંક કામ કરવા ઇંગ્લેન્ડ છોડી ગયા છે.  બ્રેકઝીટ પછી બ્રિટન દ્વારા રજુ કરાયેલ ટેકસમાં ફેરફાર અને કડક કાયદાઓએ ટ્રક ડ્રાઇવરો સહિત બ્રિટનમાં કામ કરનારા કેટલાય યુરોપીયન કર્મચારીઓ માટે મુશ્કેલી ઉભી કરી હતી.

(11:04 am IST)