Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

દિલ્હી ખાતે યોજાયેલ પ્રથમ રાષ્ટ્રિય સહકાર સમારોહ

ઇન્ડોર સ્ટેડીયમ પરથી વિશ્વભરના પાંચ કરોડથી પણ વધુ લોકોને શાહનું સંબોધન : કૃૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે ઇફકોનું નેનો યુરીયા : ૫ વર્ષમાં જ સહકારી મંડળીઓની સંખ્યા ત્રણ ગણી વધારવાનું લક્ષઃ આઝાદીના ૭૫ વર્ષ પછી દેશની અર્થવ્યવસ્થા સુધારવા અલગ સહકાર મંત્રાલયની રચના

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૯: પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને આત્મનિર્ભર બનવા સેવલ સ્વપ્ન અને સુચનને દેશના સહકારી ક્ષેત્રએ ઝડપથી પૂર્ણ કરવા સ્વરોજગારના નિર્માણ તરફ દોડ અને દેશના આર્થીક વિકાસમાં સહકારની અગ્રીમ ભૂમિકાને કોઈ રોકી શકે તેમ નથી તેમ દેશની રાજધાની દિલ્હી મુકામે યોજાયેલ દેશના સર્વપ્રથમ રાષ્ટ્રિય સહકાર સંમેલનને સંબોધતા દેશના પ્રથમ સહકાર મંત્રી અમીતભાઈ શાહ એ જણાવેલ.

શાહે વધુમા જણાવેલ કે, છેલ્લા પાંચ જ વર્ષમાં પ્રાથમીક સહકારી મંડળીઓની સંખ્યામા ત્રણ ગણો વધારો આ ક્ષેત્ર ઉપર લોકવિશ્વાસની પ્રતિતિ કરાવે છે. દેશની સહકારી પ્રવૃતિને  વધુ ઉચ્ચાઈપર લઈ જવા તમામ પ્રકારનો સહયોગ ભારત સરકાર આપશે, આ તકે ઈફકો દ્વારા તૈયાર કરવામા આવેલ વિશ્વનું સર્વપ્રથમ પ્રવાહી નેનો યુરીયાની  કૃષિક્ષેત્રે ક્રાંતિકારી પરિણામ લાવશે.  દિનદયાળ ઉપાઘ્યાયજીને યાદ કરીને શાહે જણાવેલ કે, તેઓ અંત્યોદય સહકારી પ્રવૃતિના હિમાયાતી હતા. આ તકે તેઓએ અમુલ, ઈફકો, કૃભકો, યુએલસીસીએસ, સહિત વિવિધ સહકારી સંસ્થાઓની દેશના આર્થિક વિકાસમાં સહયોગની તેમજ મહિલા શસકતીકરણ અને હરીયાળી ક્રાંતીની પ્રવૃતિને બિરદાવેલ હતી અને ઈફકોએ ૩૬ હજારથી પણ વધુ સહકારી સભ્યો બનાવીને વૃઘ્ધી પામેલ તે ગૌરવની બાબત છે. સહકાર મંત્રાલય લગભગ ૩ લાખ મંડળીઓ બનાવવાની દ્રષ્ટિ પર કામ શરૂ કરી દીધેલ છે. અને જયા સહકારી અધિનિયમમાં સુધારણાની જરૂરીયાત રહેશે તેમાં સુધારણા સાથે સહકારી કાર્યક્ષેત્ર વધુ લોકપયોગી બનાવવા પર કામ કરશે તેમ જણાવેલ.

શાહ એ વધુમા જણાવેલ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની અર્થવ્યવસ્થાઓ સુધારવા સહકારમા સંભાવનાઓ નિહાળતા આઝાદીના ૭પ વર્ષ પછી અલગ સહકાર મંત્રાલય શરૂ કરી તેની સોપાયેલ જવાબદારીઓ આપણે સાથે મળીને દેશના વિકાસમા કામે લગાડવા ઓતપ્રોત બનીજવા અને સહકારી યોજનાઓ છેવાડાના ગામ–વ્યકિત સુધી પહોચાડવા હાકલ કરી હતી. કિસાનોની આવક વધારવા સહિત ખેત ઉત્પાદન લક્ષાંકને નવી ઉંચાઈપર લાવવા સહકાર ગંભીરતાથી પ્રયત્નશીલ હોવાનું જણાવેલ.

ઈન્ડોર સ્ટેડીયમ ખાતે સહકાર સંમેલનમા બોલતા એન.સી.યુ.આઈ. ના પ્રમુખ–રાષ્ટ્રિય સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ જણાવેલ હતુ કે, દેશના આર્થિક વિકાસમાં કો–ઓપરેટીવ સેકટર આર્શિવાદ રૂપ છે.

સહકારી ચળવળમા યુવા શકિતને જોતરવા પર ભાર મુકતા સંધાણીએ જણાવેલ કે, એન.સી.યુ.આઈ. ટુક સમયમાં જ યુવા સમિતિની રચના કરવા તરફ આગળ વધી રહેલ હોવાનું જણાવી  કૃષિ, આવાસ,નાણા, ગરીબી નાબૂદિ  સહિતની અનેક દિશાઓમા સહકારી પ્રવૃતિની સામેલગીરી ટકાઉ અને સુરક્ષીત અને લોકપયોગી બની રહેશે તે દિશાની કામગીરીને પણ એજન્ડામા સમાવવો જરૂરી હોવાનું જણાવેલ.

દિલ્હી ખાતે યોજાયેલ દેશનું સર્વપ્રથમ અભૂતપૂર્વ સહકાર સંમેલનમા કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી બી.એલ.વર્મા., કો.–ઓપરેટીવ સેક્રેટરી દેવેન્દ્રકુમાર સિંહ., આઈ.સી.એ.પ્રમુખ એરિયલ ગૌરકો., ઈફકોના ચેરમેન બી.એસ.નકાઈ., એમ.ડી.ડો. યુ.એસ.અવસ્થિ, ક્રિભકોના ચેરમેન ચંદ્રપાલસિંહ, નાફસ્કોબના પ્રમુખ જયોતિન્દ્ર મહેતા, પ્રિતિબેન પટેલ  સહિતના મહાનુભાવો અને સમગ્ર દેશભર માંથી સહકારી આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

  • અમરેલી જીલ્લાના નાનકડા ગામમાં તૈયાર થયેલ હાથવણાટ શાલથી શાહનું સન્માન

અમરેલી : સહકારની દરેક પ્રવૃતિઓ રોજગારી અને આત્મનિર્ભરતા તરફ દોરી જાય છે તેમા હસ્ત કલા–કારીગરી મોખરે છે. અમરેલી જીલ્લાના નાનકડા ગામમાં કાર્યરત સતનામ વણકર સહકારી સોસાયટી દ્વારા તૈયાર કરવામાં આવેલ હાથવણાટની નમુનેદાર શાલથી દિલ્હી ખાતે પ્રથમ યોજાયેલ સહકાર સંમેલનમાં ગૃહ–સહકાર મંત્રી અમીતભાઈ શાહનું સન્માન કરવામાં આવેલ આ તકે રાષ્ટ્રિય સહકારી આગેવાન દિલીપ સંઘાણી એ જણાવેલ કે ગામડાઓમા રોજગારીનું સર્જન સહકાર જ કરી શકે.

ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્વરોજગારી હસ્ત કલા–કારીગરી  સહકારના માઘ્યમથી શરૂ કરીને વધુમાં વધું લોકો આત્મનિર્ભર બની શકે તેમ હોઈ, વણાટ રોજગાર પ્રવૃતિનો પ્રચાર–પ્રસાર અત્યંત જરૂરી છે તેમ જ અનેક પરિવારોને આર્થીક બળ પુરૂ પાડનાર હોવાનું સંસ્થા પ્રમુખ કાંતિભાઈ ગોહિલ એ યાદીમા જણાવેલ છે.

(1:02 pm IST)