Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

કામ વગર ઘરની બહાર નીકળતા નહિં.... ૪૮ કલાક ગુજરાતભરમાં બેફામ વરસાદ પડશે

ખંભાત અને મધ્ય ગુજરાત સાથે જોડાયેલ વિસ્તારમાં વેલમાર્ક લો પ્રેશર છે, આ સિસ્ટમ્સ કાલે અરબી સમુદ્રમાં પ્રવેશ કર્યા બાદ વાવાઝોડુ ‘શાહીન’માં પ્રવેશ કરશે : આજે રાજકોટ - સુરેન્દ્રનગર - ભાવનગર - અમરેલી જીલ્લામાં અને આવતીકાલે ગુરૂવારે જોમનગર - મોરબી - રાજકોટ - દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતું હવામાન ખાતુ

રાજકોટ, તા. ૨૯ : સમગ્ર રાજયમાં બેફામ વરસાદ ચાલુ છે. દરમિયાન વધુ એક સિસ્ટમ્સ મજબૂત બની વાવાઝોડામાં પરિવર્તિત કરી રહી હોય આગામી ૪૮ કલાક સમગ્ર ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યુ છે કે, ખંભાત અને મધ્ય ગુજરાત સાથે જોડાયેલ વિસ્તારમાં હાલ એક વેલમાર્ક લો પ્રેશર છે. આ સિસ્ટમ્સ આવતીકાલે ૩૦મીએ ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ વધુ મજબૂત બનશે અને વાવાઝોડામાં પરિવર્તિત થશે. આ વાવાઝોડાનું નામ ‘શાહીન’ રાખવામાં આવ્યુ છે. આમ આગામી ૪૮ કલાક સૌરાષ્ટ્ર - કચ્છ અને ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની પૂરેપૂરી શકયતા છે.

હવામાન ખાતાએ જણાવ્યુ છે કે આજે બુધવારે સુરેન્દ્રનગર જીલ્લો, ભાવનગર જીલ્લો અને રાજકોટ જીલ્લામાં તેમજ આવતીકાલે ગુરૂવારે જોમનગર જીલ્લો, મોરબી જીલ્લો, રાજકોટ જીલ્લો, દ્વારકા જીલ્લો અને કચ્છ જીલ્લામાં ભારે વરસાદ પડશે.

(2:11 pm IST)