Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વ્યકિતને કોરોનાને બદલે હડકવા વિરોધી રસી આપી દીધી

ઘોર બેદરકારી રસી લેનાર વ્યકિતની હાલત સ્થિર : ડોકટર અને નર્સ સસ્પેન્ડ

થાણે, તા.૨૯: થાણે શહેરના કલવાના રહેવાસીને ભૂલથી કોવિડ -૧૯ રસીની જગ્યાએ હડકવા વિરોધી રસી (ARV) આપવામાં આવી હતી. આ ભૂલ મધ્ય કલવા પૂર્વના એક આરોગ્ય કેન્દ્રમાં થઈ છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)એ આ ભુલ થઈ હોવાનો સ્વીકાર કર્યો છે. તેમજ કેન્દ્રના ડોકટર અને નર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ પાલિકાએ જણાવ્યું હતું કે, જે વ્યકિતને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે તેની હાલત સ્થિર છે.

ટીએમસીના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સંદીપ માલવીએ જણાવ્યું હતું કે, 'હડકવા વિરોધી રસી લેનાર દર્દી રાજકુમાર યાદવ કોવિશિલ્ડ રસી વિશે પૂછપરછ કરવા માટે કલવા પૂર્વના એટકોનેશ્વર નગર પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રમાં ગયા હતા. કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રાખી તાવડેએ તેમને કોવિડશિલ્ડ રસી માટે કેસ પેપર આપ્યા અને લાઈનમાં રાહ જોવાનું કહ્યું હતું. યાદવ ભૂલથી હડકવા વિરોધી રસીની લાઈનમાં ઉભો રહી ગયો. ત્યારે રસી લેવાનો વારો આવ્યો ત્યારે નર્સ કીર્તી રાયે તેના કેસ પેપર તપાસ્યા નહોતા કે રસી બાબતે સપ્ષ્ટતા પણ કરી નહોતી. તેણે ધારી લીધું કે તે ARV રસી માટે જ આવ્યો છે અને તેણે રસી પણ આપી દીધી. નર્સ અને મેડિકલ ઓફીસરે દર્દીને રસી આપતા પહેલા તેની જાણ કરવી જોઈએ અને કેસ પેપર પણ તપાસવા જોઈએ.

તમને જણાવી દઈએ કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટકોણેશ્વરમાં નજીકની ઝૂંપડપટ્ટીઓના લોકોની તમામ આરોગ્ય સંબંધિત બિમારીઓની સારવાર કરે છે. કોરોના સિવાય પણ બીજી રસીઓ આપે છે.

ટીએમસીના આ ઘટનાથી પરિચિત એક વ્યકિતએ કહ્યું હતું કે, 'રસી લીધા બાદ યાદવ નર્સ પાસે ગયા અને રસી વિશે પૂછપરછ કરી હતી. નર્સે તેને કહ્યું કે તે હડકવા વિરોધી રસી છે. આ સાંભળીને તે ગભરાઈ ગયો હતો અને કહ્યું હતું કે તેને તો કોવિશિલ્ડ રસી લેવાની હતી. તેમણે ખુલાસો માંગ્યો હતો જે બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી'.

થાણેના મેયર નરેશ મસ્કેએ કહ્યું કે, 'આ કેન્દ્ર ઝૂંપડપટ્ટીમાં છે. જયાં મોટાભાગના લાભાર્થીઓ અભણ છે અને તેમને માર્ગદર્શન આપવું મેડિકલ સ્ટાફની ફરજ હતી. મને ઘટનાની જાણ થતા જ તાત્કાલિક તપાસ કરવાનો અને જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. વ્યકિત ભલે ખોટી લાઈનમાં ઉભો રહ્યો પરંતુ તેને રસી આપતા પહેલા કેસ પેપર જોવા અને જાણ કરવાની ફરજ મેડિકલ સ્ટાફની છે'.

(3:47 pm IST)