Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

બેંગ્લુરુની સ્કૂલમાં કોરોના બોમ્બ ફાટયોઃ ૬૦ વિદ્યાર્થીનીઓ પોઝિટિવ

વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણના કેસો સપાટી પર આવતા વાલીઓમાં ફફડાટ

બેંગ્લુરુ, તા.૨૯: કર્ણાટકના પાટનગર બેંગ્લુરુની એક બોર્ડિંગ સ્કૂલમાં કોરોના બ્લાસ્ટ થયો છે. બેંગ્લુરુમાં ઈલેકટ્રોનિક સિટીની સ્કૂલમાં આશરે ૬૦ વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હાલમાં વિવિધ રાજયોમાં શાળાઓ અને હોસ્ટેલોને ખોલવા મંજૂરી આપવામાં આવી છે. પરંતુ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણના કેસો સપાટી પર આવતા વાલીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

બેંગ્લુરુની શાળામાં એક વિદ્યાર્થીનીને સખત તાવ આવ્યો અને તેની સારવાર લેડી કર્ઝન અને બોરિંગ હોસ્પિટલમાં ચાલી રહી છે. અન્ય એક વિદ્યાર્થીનીમાં પણ લક્ષણો જોવા મળ્યા હોવાથી તેને કવોરન્ટાઈન કરવામાં આવી છે. કોરોના વિસ્ફોટ પછી શાળાને બંધ કરી દેવામાં આવી છે. શ્રી ચૈતન્ય ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલના બાકીના વિદ્યાર્થીઓને સ્કૂલ પરિસમાં એક સ્થળે આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ તમામ એસિમ્પ્ટોમેટિક છે. નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે, એક ખાનગી આરોગ્ય સેવાના કર્મચારી આ તમામ વિદ્યાર્થીઓની દેખરેખ કરી રહ્યા છે. સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે અને ૨૦ ઓકટોબર પછી ફરીથી ખોલવા વિચારણા કરાશે.

પ્રાપ્ત વિગતો મુજબ બેંગ્લુરુની શાળામાં ૫ સપ્ટેમ્બરથી સીનિયર વિદ્યાર્થીઓ માટે ફિઝિકલ શિક્ષણકાર્ય શરૂ કરાયું હતું. ૨૨ શિક્ષકો સહિત ૫૭ લોકોના સ્ટાફે સંપૂર્ણ રસીકરણ કરાવ્યું હતું. ૪૮૫ વિદ્યાર્થીઓ સાથે બોર્ડિંગ સ્કૂલને ફરીથી ખોલવામાં આવી હતી. ૨૬ સપ્ટેમ્બરના રોજ બેલ્લારીથી આવેલી એક વિદ્યાર્થીનીને તાવ અને ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળ્યા હતા અને બાદમાં તે કોરોના સંક્રમિત થી હતી. બૃહદ બેંગ્લુરુ મહાનગરપાલિકા દ્વારા તમામ વિદ્યાર્થીનીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ૧૦૫ના રેપિડ ટેસ્ટ પૈકી ૨૭ પોઝિટિવ મળી આવી હતી. જયારે ૪૨૪ના આરટીપીસીઆર કરાતા વધુ ૩૩ વિદ્યાર્થીનીઓ પોઝિટિવ મળતા ખળભળાટ મચી ગયો હતો.

(3:47 pm IST)