Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મહારાષ્ટ્રની ખાનગી હોસ્પિટલોએ 75 ટકા કોરોના દર્દીઓ પાસેથી વસુલ્યું વધુ બીલ

એક લાખથી બે લાખ રૂપિયા સુધી વધારે ભર્યું બિલ: સરકારી નિર્દેશોની ઐસી કી તૈસી : સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

મુંબઈ : મહારાષ્ટ્રમાં કરાયેલ સર્વે દરમિયાન ચોકાવનારું સત્ય બહાર આવ્યું કે કોરોનાથી પીડાતા 75 ટકાથી વધુ દર્દીઓ પાસેથી ખાનગી હોસ્પિટલો દ્વારા વધારે ચાર્જ લેવામાં આવ્યો છે.

આરોગ્ય ક્ષેત્રે કાર્યરત કામદારોની સંસ્થા જન આરોગ્ય અભિયાનના ડૉ.અભય શુક્લાએ જણાવ્યું હતું કે લગભગ અડધા દર્દીઓ (સર્વેમાં ભાગ લેનારા દર્દીઓ) સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. તેમણે કહ્યું કે અમે 2,579 દર્દીઓના કેસોનો સર્વે કર્યો, તેમના સંબંધીઓ સાથે વાત કરી અને હોસ્પિટલના બિલનું ઓડિટ કર્યું. તેમાંથી લગભગ 95 ટકા ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા.

 

ડૉ.શુક્લાએ કહ્યું કે સર્વેમાં અમને જાણવા મળ્યું છે કે 75 ટકા દર્દીઓ પાસેથી સારવાર માટે વધારે ચાર્જ લેવામાં આવ્યો છે. સરેરાશ 10 હજારથી એક લાખ રૂપિયા સુધી વધુ બિલ વસૂલવામાં આવતું હતું. તેમાંથી મોટાભાગના દર્દીઓ મહામારીની બીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયા હતા.

ડો.શુક્લાએ દાવો કર્યો હતો કે દર્દીઓમાં ઓછામાં ઓછી 220 મહિલાઓ હતી, જેણે વાસ્તવિક બિલ કરતા 1 લાખથી 2 લાખ રૂપિયા વધારે ચૂકવ્યા હતા, જ્યારે 2021 કેસોમાં દર્દીઓ અથવા તેમના સંબંધીઓએ 2 લાખ રૂપિયા વધુ ચૂકવ્યા હતા.

શુક્લાએ કહ્યું કે આમ તો મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી હતી કે ખાનગી હોસ્પિટલોમાં કોવિડ -19ની સારવારના દર નિયંત્રિત કરવામાં આવશે, પરંતુ સરકારી આદેશો માત્ર કાગળ પર જ રહ્યા હતા. તેમણે કહ્યું કે ઘણા દર્દીઓ અને તેમના પરિવારો નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા હતા, તેમને બીલની ચુકવણી કરવા માટે ઘરેણાં વેચવા પડ્યા હતા, સંબંધીઓ પાસેથી લોન લેવી પડી હતી અને શાહુકારો પાસેથી ઉધાર પણ લેવું પડ્યું હતું. સર્વે અનુસાર 1,460 દર્દીઓ અથવા તેમના સંબંધીઓ આ સ્થિતિમાંથી પસાર થયા હતા.

(11:24 pm IST)