Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ટીમ ઈન્ડિયામાં પરત ફરશે સંજુ સેમ્સન: BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો સંકેત

સેમસનને T20 સીરીઝમાં સામેલ કરવામાં ન આવ્યો પરંતુ ODI સીરીઝમાં રમશે :સૌરવ ગાંગુલી આ વાતની પુષ્ટિ કરી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ ગઈ છે. શ્રેણીની પ્રથમ મેચ કેરળના તિરુવનંતપુરમમાં રમાઈ રહી છે, જ્યાં ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ છે. અહીંના પ્રશંસકો ચોક્કસપણે તેનાથી ખુશ છે, પરંતુ તેના પોતાના સ્થાનિક સ્ટાર સંજુ સેમસનને ટીમમાં તક ન મળી તે અંગે થોડી નિરાશા પણ હશે. સેમસનને ભલે T20 સીરીઝમાં સામેલ કરવામાં ન આવ્યો હોય પરંતુ તે ODI સીરીઝમાં રમશે અને સૌરવ ગાંગુલીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

T20 શ્રેણી બાદ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સમાન સંખ્યામાં મેચોની વનડે શ્રેણી પણ રમાશે. આ સિરીઝ 6 ઓક્ટોબરથી શરૂ થશે અને T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને BCCI આ સિરીઝ માટે બીજા દરજ્જાની ટીમ ઉતારવા જઈ રહી છે, જેમાં કેપ્ટન શિખર ધવનને મળવાનું નિશ્ચિત છે. આ રીતે ઘણા એવા ખેલાડીઓને પણ તક મળશે, જેઓ વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

સંજુ સેમસનનું નામ આવા ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે, જેને નિયમિત તકો ન મળવાની સતત ફરિયાદ રહે છે. હવે BCCI પ્રમુખ ગાંગુલીએ પુષ્ટિ કરી છે કે સેમસન ODI શ્રેણીમાં રમશે. 28 સપ્ટેમ્બર, બુધવારના રોજ એક કાર્યક્રમમાં આ વિશે વાત કરતા ગાંગુલીએ કહ્યું કે તેને આવનારા સમયમાં તક મળશે.

ગાંગુલીએ વધુમાં કહ્યું કે, તે સારું રમી રહ્યો છે. તે ટીમ ઈન્ડિયા માટે પણ રમી ચૂક્યો છે. તે માત્ર વર્લ્ડ કપમાં જઈ શકશે નહીં. મને લાગે છે કે તે દક્ષિણ આફ્રિકા સામે વનડે શ્રેણી રમી રહ્યો છે. તે આઈપીએલમાં પોતાની ફ્રેન્ચાઈઝી માટે સારું પ્રદર્શન કરે છે. તે કેપ્ટન છે. તેણે અત્યાર સુધી પોતાના માટે સારું પ્રદર્શન કર્યું છે.

(9:54 am IST)