Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓએ ચાલુ ટ્રેનમાં ગરબા રમ્‍યા

વીડિયો ટ્‍વીટર પર મૂકતાં જ વાયરલ

મુંબઈ,તા.૨૯: એકબાજુ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્‍યારે લોકો પણ ઉજવણીના મૂડમાં આવી ગયા છે. જયારથી નવરાત્રિની શરૂઆત થઈ છે ત્‍યારથી દરેક સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મમાં માત્ર જ ગરબાના જ વીડિયો દેખાઈ રહ્યા છે. પહેલાં મરીન ડ્રાઇવ પર મોટી સંખ્‍યામાં લોકોનો ગરબા રમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્‍યારે એક લોકલ ટ્રેનમાં મહિલાઓ ગરબા રમી રહી હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મુંબઈ રેલવે યુઝરના ટ્‍વીટર હેન્‍ડલ પર એક વીડિયો મૂકવામાં આવ્‍યો હતો. તે હવે વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે, કલ્‍યાણ રેલવે સ્‍ટેશનથી મહિલાઓનું ટોળું ગરબા રમી રહ્યુ છે. ત્‍યારે એકબાજુ તેઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે ને ત્‍યાં બેસેલા અન્‍ય લોકો પણ તેમને જોઈને મજા માણી રહ્યા છે.

વીડિયો શેર કર્યો હતો તેના કેપ્‍શનમાં લખવામાં આવ્‍યુ હતુ કે, ‘મુંબઈની લોકલ મોમેન્‍ટ્‍સ બનાવે છે. ગઈકાલે ૧૦.૦૨ AMના કલ્‍યાણથી ટ્રેન. મોજની કોઈ સીમા હોતી નથી.' અત્‍યાર સુધીમાં ૧ લાખ લોકોએ આ વીડિયો જોઈ લીધો છે. ત્‍યારે લોકોએ મહિલાઓને પ્રોત્‍સાહન આપ્‍યું હતું સાથે જ હજારો લોકોએ આ વીડિયો પર કોમેન્‍ટ્‍સ પણ કરી હતી.

ત્‍યારે કોમેન્‍ટમાં એક વ્‍યક્‍તિએ લખ્‍યું હતુ કે, ‘હૃદયસ્‍પર્શી. અન્‍ય મહિલાઓનો આભાર કે તેઓ આ ગરબા રમવા માટે જગ્‍યા આપીને બાજુએ ખસી ગયા હતા.' તો અન્‍ય એક યુઝરે લખ્‍યુ હતુ કે, ‘સ્‍પિરીટ ઓફ મુંબઈ'તો એક મહિલાએ કોમેન્‍ટ કરતા લખ્‍યુ હતુ કે, ‘લોકલ ટ્રેનમાં ગરબા. મુંબઈકર ઇનોવેટિવ છે. નવરાશ બધા જ ઇનોવેશન્‍સની માતા છે! એ હાલો...'

(10:23 am IST)