Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મહિલાઓને ગર્ભપાતનો અધિકાર : પતિનો૦ યૌન હુમલો એ રેપ

સુપ્રિમ કોર્ટે મહિલા અધિકાર લઇને આપ્‍યો ઐતિહાસિક ફેંસલો : પરિણીત કે અપરિણીત તમામ મહિલાઓને સુરક્ષિત - કાયદાકીય ગર્ભપાતનો અધિકાર : અવિવાહિત મહિલા પણ ૨૪ સપ્‍તાહ સુધી કરાવી શકશે એર્બોશનઃ લિવ ઇન રિલેશનશીપ અને સહમતીથી બનેલા સંબંધોથી ગર્ભવતી થયેલી મહિલાઓ પણ ગર્ભપાત કરાવી શકશે

નવી દિલ્‍હી તા. ૨૯ : મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્‍સી એક્‍ટ હેઠળ પરિણીત મહિલા દ્વારા બળજબરીથી ગર્ભાવસ્‍થાને બળાત્‍કાર તરીકે ગણવામાં આવે છે. એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્‍યો હતો. સુપ્રીમ કોર્ટે મહિલા અધિકારો માટે ઐતિહાસિક ચુકાદો આપ્‍યો છે. બધી મહિલાઓને ગર્ભપાતનો અધિકાર છે, પછી એ વિવાહિત હોય કે અવિવાહિત- બધી મહિલાઓ સુરક્ષિત અને કાનૂની ગર્ભપાતની હકદાર છે. વાસ્‍તવમાં અત્‍યાર સુધી વિવાહિત મહિલાઓને જ ૨૦ સપ્તાહથી વધુ અથવા ૨૪ સપ્તાહથી ઓછા સમય સુધી ગર્ભપાતનો અધિકાર હતો, પણ કોર્ટના આ ચુકાદા પછી અવિવાહિત મહિલાઓને પણ આ સમયમર્યાદા સુધી ગર્ભપાત કરાવવાનો અધિકાર હશે. આ ચુકાદો જસ્‍ટિસ ડીવાય ચંદ્રચૂડની ખંડપીઠે આપ્‍યો હતો.મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્‍સી એક્‍ટ હેઠળ ગર્ભપાત માટેના નિયમો નક્કી કરવામાં આવ્‍યા છે.

ગર્ભપાત અને શરીર પર મહિલાઓના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટે આ મોટો નિર્ણય આપ્‍યો છે. જસ્‍ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્‍યક્ષતાવાળી બેંચે કહ્યું કે, ‘વિવાહિત મહિલાઓ પણ બળાત્‍કારનો શિકાર બની શકે છે. બળાત્‍કાર એટલે સંમતિ વિના સંબંધ બાંધવો અને પાર્ટનર દ્વારા હિંસા એ હકીકત છે. આવા કિસ્‍સાઓમાં, સ્ત્રી બળજબરીથી ગર્ભવતી પણ બની શકે છે. કોર્ટે કહ્યું કે જો આ રીતે પરિણીત મહિલા બળજબરીથી સેક્‍સને કારણે ગર્ભવતી બને છે તો તે પણ બળાત્‍કાર સમાન બની શકે છે. કોર્ટે કહ્યું, ‘કોઇપણ પ્રેગ્નન્‍સી જેમાં મહિલા કહે છે કે તેને બળજબરીથી કરવામાં આવી છે, તેને બળાત્‍કાર માની શકાય છે.'

કોર્ટે સુનાવણી દરમ્‍યાન કહ્યું હતું કે પતિ દ્વારા યૌન સંબંધ બનાવવો એ બળાત્‍કારની શ્રેણીમાં આવશે. જે પત્‍નીઓએ પતિ દ્વારા જબરદસ્‍તી બનાવવામાં આવેલા યૌન સંબંધ પછી ગર્ભધારણ કર્યો છે તો એ મામલો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્‍સી રૂલ્‍સ નિયમ 3 B (a) હેઠળ યૌન ઉત્‍પીડન અથવા બળાત્‍કારના દાયરામાં આવે છે, એમ કોર્ટે કહ્યું હતું.

એમટીપી એક્‍ટનો ઉલ્લેખ કરતા, જસ્‍ટિસ એસ બોપન્ના અને જસ્‍ટિસ જેપી પારડીવાલાની બનેલી બેંચે કહ્યું કે અપરિણીત મહિલા પણ કોઈની પરવાનગી વિના ૨૪ અઠવાડિયાના સમયગાળા માટે ગર્ભપાત કરાવી શકે છે. છૂટાછેડા લીધેલ, વિધવા મહિલાઓ હાલના નિયમો અનુસાર ૨૦ અઠવાડિયા પછી ગર્ભપાત કરાવી શકતી નથી. અન્‍ય મહિલાઓ માટે ૨૪ અઠવાડિયા સુધી ગર્ભપાતની મંજૂરી આપવાની જોગવાઈ છે. તેના પર કોર્ટે કહ્યું કે કાયદો સાંકડા આધાર પર વર્ગીકરણ કરી શકે નહીં. ગર્ભાવસ્‍થા ચાલુ રાખવી કે ગર્ભપાત કરાવવો, તેસ્ત્રીના પોતાના શરીર પરના અધિકાર સાથે જોડાયેલી બાબત છે.

કોર્ટે સ્‍પષ્ટ કહ્યું કે મહિલા પાસેથી આ અધિકાર છીનવી લેવો તે તેની ગરિમાને કચડી નાખવા સમાન છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ૨૫ વર્ષની અવિવાહિત યુવતીની અરજી પર સુનાવણી કરતા આપ્‍યો છે. યુવતી ૨૪ અઠવાડિયાની ગર્ભવતી હતી અને દિલ્‍હી હાઈકોર્ટે તેને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી ન હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે તે આ બાળકને દત્તક લેવા માટે કોઈને આપી શકે છે. જો કે, ૨૧ જુલાઈએ જ સુપ્રીમ કોર્ટે આ મામલામાં યુવતીને રાહત આપતાં કહ્યું હતું કે જો તે તબીબી રીતે ગર્ભપાત કરાવવાની સ્‍થિતિમાં છે, તો તે થઈ શકે છે. ત્‍યારે કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્‍સી એક્‍ટ પર વિચાર કરવાનું પણ કહ્યું હતું, જેના હેઠળ પરિણીત અને અપરિણીત મહિલાઓ માટે અલગ-અલગ નિયમો છે.

(3:27 pm IST)