Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મહસા અમિનીનું મૃત્‍યુ દુઃખદ ઘટના પણ તોફાનો ચલાવી લેવામાં નહિ આવેઃ ઇરાની રાષ્‍ટ્રપતિ

ઇરાનમાં હિજાબ વિરોધી તોફાનોમાં ૪૧ લોકોના મોત

તહેરાનઃ ઇરાનના રાષ્‍ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીએ જણાવ્‍યુ હતું કે એક યુવતિના કસ્‍ટડીમાં મૃત્‍યુથી દેશમાં દરેકને દુઃખ થયું છે. સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે મહસા અમિનીના મોત પર હિંસક વિરોધો અને તોફાનો ચલાવી લેવામાં નહીં આવે.

બે અઠવાડીયા પહેલા થયેલા અમિનીના મોતે સમગ્ર ઇરાનમાં સરકાર વિરોધી ચળવળનો વેગ આપ્‍યો હતો. વિરોધીઓ અવારનવાર ચાર દાયકા જૂની ઇસ્‍લામીક કાયદાની સતાનો અંત લાવવા હાકલ કરતા હતા.

દેશભરમાં ચાલી રહેલ આંદોલન વચ્‍ચે રાષ્‍ટ્રપતિ રાઇસીએ સરકારી ટીવી પર એક ઇન્‍ટરવ્‍યુમાં કહયુ કે અમિનીના દુઃખદ ઘટનાથી આપણે બધા દુઃખી છીએ પણ દેશમાં અરાજકતા નહીં ચલાવી લેવાય. સરકારની પહેલી પ્રાથમિકતા લોકોની સુરક્ષા છે. કોઇપણ લોકોને સમાજની શાંતિનો ભંગ કરવાની પરવાનગી ના આપી શકાય.

વધતા જતા મૃત્‍યુઆંક અને સુરક્ષાદળો દ્વારા અશ્રુવાયુ અને કેટલીક જગ્‍યાએ દારૂગોળાના ઉપયોગ છતાં સોશ્‍યલ મીડીયામાં  ઇરાનીઓનો વિરોધ જોવા મળી રહયા છે. દેશમાં સેંકડો લોકોની ધરપકડો થઇ છે. જેમાં માનવાધિકાર કાર્યકરો, વકીલો, અને ૧૮ પત્રકારો પણ સામેલ છે.

ઇસ્‍લામિક રિપબ્‍લીકના કડક ડ્રેસ કોડનો અમલ કરાવતી એથીકસ પોલિસ દ્વારા અયોગ્‍ય પોષાક માટે ધરપકડ કરાયા પછી ૧૩ સપ્‍ટેમ્‍બરે ૨૨ વર્ષીય અમીનીના મૃત્‍યુ પછી રોષે ભરાયેલા લોકોના પ્રદર્શનો શરૂ થયા હતા જે હવે દેશભરના ૮૦ શહેરોમાં ફેલાઇ ગયા છે.

જોકે ઇરાનના સર્વોચ્‍ચ નેતા આયાતુલ્‍લાહ ખોમૈનીએ હજુ સુધી વિરોધ પ્રદર્શનો અંગે કોઇ ટીપ્‍પણી નથી કરી. રઇસીએ અમીનીના મોતની તપાસના આદેશ આપ્‍યા છે અને કહ્યુ છે કે ફોરેન્‍સીક વિભાગ આગામી દિવસોમાં તેના મૃત્‍યુ અંગે રિપોર્ટ આપશે.

(3:59 pm IST)