Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સોનિયા - ગેહલોત વચ્‍ચે બેઠક ચાલુ : દિગ્‍વિજયે ચૂંટણી લડવા કર્યું એલાન

કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી : ગેહલોતને મુખ્‍યમંત્રીપદ છોડવું નથી ? હવે સોનિયા શું કરશે ? સસ્‍પેન્‍સ

રાજકોટ તા. ૨૯ : રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોત સોનિયા ગાંધીને મળવા તેમના ૧૦ જનપથ નિવાસસ્‍થાને પહોંચ્‍યા છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ ગેહલોતે અધ્‍યક્ષ બનતા પહેલા મુખ્‍યમંત્રી પદ છોડવાનો ઈન્‍કાર કરી દીધો છે. સૂત્રોનું કહેવું છે કે મુકુલ વાસનિક હાઈકમાન્‍ડનો સંદેશ લઈને ગેહલોત પાસે આવ્‍યા હતા કે તેમણે નોમિનેશન પહેલા મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરવી પડશે. પરંતુ ગેહલોતે આ શરત સ્‍વીકારવાનો ઈન્‍કાર કરી દીધો, ત્‍યારપછી એવી અટકળો વહેતી થઈ કે સોનિયા-ગેહલોતની મુલાકાત સ્‍થગિત થઈ શકે છે, જો કે એવું થયું નહીં.

દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્‍વિજય સિંહ કોંગ્રેસ અધ્‍યક્ષ પદ માટે ચૂંટણી લડશે તે નક્કી થયું છે. આજે દિલ્‍હીમાં, તેમણે કહ્યું, ‘હું આજે મારૂં નામાંકન ફોર્મ (કોંગ્રેસ અધ્‍યક્ષની ચૂંટણી માટે) લેવા આવ્‍યો છું અને કદાચ કાલે તેને ભરીશ. લોકસભાના સભ્‍ય શશિ થરૂર ૩૦ સપ્‍ટેમ્‍બરે સ્‍પીકર પદ માટે નોમિનેશન ફાઈલ કરશે.

કોંગ્રેસ અધ્‍યક્ષની ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ૨૨ સપ્‍ટેમ્‍બરે જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું હતું અને ૨૪ સપ્‍ટેમ્‍બરે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી ચાલશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ ૮ ઓક્‍ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્‍સામાં ૧૭ ઓક્‍ટોબરે મતદાન થશે અને ૧૯ ઓક્‍ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.

બીજી તરફ કોંગ્રેસ અધ્‍યક્ષ સોનિયા ગાંધીએ પ્રમુખ પદની ચૂંટણી અને રાજસ્‍થાનમાં સર્જાયેલી કટોકટી અંગે મંથન ચાલુ રાખ્‍યું હતું. પાર્ટીના વરિષ્ઠ નેતા એકે એન્‍ટોનીએ ગઇકાલે સાંજે સોનિયા ગાંધી સાથે લાંબી ચર્ચા કરી હતી. માનવામાં આવે છે કે આ બેઠકમાં રાજસ્‍થાન સંકટ અને ચૂંટણી પર ચર્ચા થઈ હતી. એન્‍ટની કોંગ્રેસની શિસ્‍ત કાર્યવાહી સમિતિના વડા પણ છે.કોંગ્રેસના રાજસ્‍થાન એકમમાં ફાટી નીકળેલી રાજકીય કટોકટી વચ્‍ચે, પાર્ટીના નિરીક્ષકોએ મંગળવારે મુખ્‍યમંત્રી અશોક ગેહલોતની નજીકના ત્રણ નેતાઓ સામે ‘ગૌરવપૂર્ણ અનુશાસન' માટે શિસ્‍તભંગના પગલાંની ભલામણ કરી હતી અને તેના થોડા સમય પછી, પાર્ટીની શિસ્‍ત કાર્યવાહી સમિતિએ તેમને મંજૂરી આપી હતી. ‘કારણ બતાવો નોટિસ' જારી કરવામાં આવેલ છે.

(4:43 pm IST)