Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ધમકી બદલ આઠ વર્ષની બાળકી સામે એફઆઈઆર

મધ્યપ્રદેશની આશ્ચર્યજનક ઘટના : આ બાબત સામે આવ્યા બાદ તંત્રની તપાસ કરવા ખાતરી ફરિયાદમાં બાળકીનું નામ આપનાર સામે કાર્યવાહીની માગ

જબલપુર, તા.૨૯ : મધ્યપ્રદેશના જબલપુરમાં પોલીસ અને વેરહાઉસિંગ કોર્પોરેશનના અધિકારીઓ સામે ઘોર બેદરકારીનો આરોપ લાગ્યો છે. મળતી વિગતો અનુસાર જબલપુરમાં વેરહાઉસના ચેકિંગ દરમિયાન એક વેરહાઉસમાં ઓછુ અનાજ જોવા મળ્યુ હતુ. આ વેરહાઉસના સંચાલકો સામે વેરહાઉસિંગ કોર્પોરેશને તપાસ શરૃ કરી ત્યારે વેરહાઉસના સંચાલકોએ નારાજગી વ્યક્ત કરીને કહ્યુ હતુ કે, અમારૃ કામ માત્ર અનાજનો સંગ્રહ કરવાનુ છે. બાકીની તમામ બાબતોની જવાબદારી વેરહાઉસિંગ કોર્પોરેશનની છે. આમ છતા વેરહાઉસની તપાસ દરમિયાન કોર્પોરેશનના અધિકારીઓએ સંચાલક સાથે બેહુદો વર્તાવ કર્યો હતો.

તાજેતરમાં વેરહાઉસના સંચાલકોએ આ બાબતે વેરહાઉસિંગ કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. જોકે એ પછી કોર્પોરેશનના અધિકારીઓએ વેરહાઉસોના સંચાલકોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો આરોપ મુકીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસે ૧૧ લોકો સામે ફરિયાદ નોંધી છે અને તેમાં આઠ વર્ષની એક બાળકીને આરોપી બનાવી દીધી છે. આ બાબત સામે આવ્યા બાદ હવે તંત્રે તપાસ કરવા માટે ખાતરી આપી છે. જ્યારે બાળકીના પિતાનુ કહેવુ છે કે, ફરિયાદમાં મારી દીકરીનુ નામ આપનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.

 

 

 

(7:18 pm IST)