Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

૩૦ને લઈ જતી હોડી બ્રહ્મપુત્રા નદીમાં પલટી ગઈ, અનેક લાપતા

આસામના ધુબરી જિલ્લાની ગંભીર ઘટના : તરવાનું જાણતા હતા તેઓને બચાવી લેવામાં આવ્યા

ધુબરી, તા.૨૯ : આસામના ધુબરી જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીમાં ગુરુવારે લગભગ ૩૦ લોકોને લઈને જતી એક હોડી પલટી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકોની ડૂબી જવાની આશંકા છે.

ધુબરીના ડેપ્યુટી કમિશનર અંબામુથન એમપીએ જણાવ્યું કે, બ્રહ્મપુત્રા નદીમાં હોડી પલટી જવાની ઘટનામાં ૬-૭ લોકો હજુ પણ ગુમ છે; રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ ઘટનામાં ધુબરી ઝોનલ ઓફિસર સંજુ દાસ પણ ગુમ છે.  આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જ્ઞાનેન્દ્ર દેવ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર રેસ્ક્યૂ ટીમે નદીમાં બચાવ કામગીરી શરૃ કરી દીધી છે.

આ અકસ્માત અંગે માહિતી આપતાં જ્ઞાનેન્દ્ર દેવ ત્રિપાઠીએ જણાવ્યું કે, ધુબરી-ફુલબારી પુલ પાસે એક નાની ચેનલ છે. ટીમ લાકડાની બોટ પર ચેનલ પાર કરી રહી હતી ત્યારે તે કોઈ વસ્તુ સાથે નૌકા અથડાઈ અને પલટી ગઈ. બોટમાં લગભગ ૩૦ લોકો સવાર હતા, જેમાંથી ઘણા ધુબરી સર્કલ ઓફિસના હતા.

કેટલાક લોકો કે જેઓ તરવાનું જાણતા હતા તેઓને બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની ટીમોને શોધ અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.

 

(7:19 pm IST)