Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

ઓડિશાના હેલ્થ મિનિસ્ટર ઉપર ફાયરિંગ

એવા અહેવાલો મળી રહ્યા છે કે ઓડિશાના આરોગ્ય પ્રધાન એન કે દાશ ઉપર ઝારસુગુડા વિસ્તારમાં ફાયરિંગ થયું છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે: ન્યૂઝફર્સ્ટ

ભુવનેશ્વર, : ઓડિશાના આરોગ્ય મંત્રી નાબા દાસ પર ઝારસુગુડા જિલ્લાના બૃજરાજનગર પાસે હુમલો થયો છે. આરોગ્ય મંત્રીને ગાંધી ચોક પાસે એક પોલીસ કર્મચારી દ્વારા ગોળી મારવામાં આવી છે. આ ઘટના બાદ તેમને ગંભીર હાલતમાં એરલિફ્ટ કરી હોસ્પિટલ લઈ જવાયા છે. નાબા દાસ એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.

કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા આરોગ્ય મંત્રી નાબા દાસ જ્યારે પોતાની ગાડીમાંથી બહાર નિકળી રહ્યા હતા, ત્યારે અચાનક ASIએ તેમના ઉપર ફાયરિંગ કરી દીધું. જોકે તેમના પર ફાયરિંગ કેમ કરવામાં આવી, તેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટના બાદ નાબા દાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ ઘટના બાદ બીજેડી કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા છે. દરમિયાન ઘટના બાદ સ્થળ પર અફરાતફરી મચી છે.

એવું માનવામાં આવ્યું રહ્યું છે કે, નાબા દાસ પર કરાયેલો હુમલો પૂર્વ આયોજીત હતું, કારણ કે આરોગ્ય મંત્રીની કથિત રીતે નજીકથી ગોળી મારવામાં આવી. આ ઘટના બાદ ફરી એક વાર સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે, કારણ કે નાબા દાસને પોલીસ સુરક્ષા પણ પુરી પાડવામાં આવી હતી.

ઓડિશાના કેબિનેટ મંત્રી પર ફાયરિંગ કરનાર પોલીસ કર્મચારીની ઓળખ ગોપાલ દાસ તરીકે થઈ છે, જે ગાંધી ચોકમાં ASI તરીકે તૈનાત હતો. મળતી માહિતી મુજબ એએસઆઈ ગોપાલ દાસે પોતાની રિવોલ્વરથી નાબા દાસ પર ગોળી ચલાવી.

બીજેડીના સિનિયર નેતા પ્રસન્ન આચાર્યએ કહ્યું કે, ફોન પર સમાચાર મળ્યા બાદ હું સંપૂર્ણરીતે સ્તબ્ધ થઈ ગયો છું. આ ફાયરિંગમાં કોણ કોણ સામેલ છે, અને આ ઘટનાને કેમ અંજામ અપાયો, તે હાલ કહી શકાય નહીં. અમે તેમના સાજા થવાની પ્રાર્થના કરીએ છીએ. આ ઘટનાની અમે નિંદા કરીએ છીએ. પોલીસ વધુ તપાસ કરશે.

(2:17 pm IST)