Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

અમેરિકાના કેલિફોર્નિયામાં અંધાધુંધ ફાયરિંગમાં ઓછામાં ઓછા 3 લોકોના મોતઃ આરોપીએ ૭ લોકોને ગોળી મારી હતી

ત્રણ લોકો એક ગાડીમાં હતાઃ મૃતકોની હજુ સુધી ઓળખ કરી શકાઈ નથીઃ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં શનિવારે થયેલા અંધાધુંધ ફાયરિંગમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અન્ય ચાર લોકોને ઈજા પણ થઈ છે, તેમ પોલીસ તરફથી આપાવમાં આવેલી માહિતીમાં જણાવાયું હતું.

પોલીસ અધિકારી ફ્રેંક ફ્રીસીડોએ ફાયરિંગની પુષ્ટિ કરતા કહ્યું કે શૂટિંગ લૉસ એન્જેલસ નજીક આવેલા બેવર્લી ક્રેસ્ટ પ્રાંતમાં બપોરના 2:30 વાગ્યા આસપાસ થયું હતું.

આરોપીએ 7 લોકોના ગોળી મારી હતી. આ ઘટનાનો ભોગ બનેલ પૈકી ચાર લોકો બહાર ઉભા હતા જ્યારે ત્રણ લોકો એક ગાડીમાં હતા. મૃતકોની હજુ સુધી ઓળખ કરી શકાઈ નથી. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની સ્થિતિ નાજુક છે.

ફ્રીસીડોનું કહેવું છે કે અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે ફાયરિંગ પાછળ કયા કારણ જવાબદાર છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. કેલિફોર્નિયામાં આ મહિને ગ્રુપ ફાયરિંગની આ ચોથી ઘટના છે. એક અહેવાલ પ્રમાણે અમેરિકામાં ગયા વર્ષે એટલે કે વર્ષ 2022માં 600થી વધારે ગ્રુપ ફાયરિંગની ઘટના સર્જાઈ હતી.

અમેરિકામાં ગન કલ્ચર હવે મોટી સમસ્યા બની ગયું છે. અગાઉ પણ અનેક ઘટનાઓમાં મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકોના મોત થયા છે. આ અગાઉ મેક્સિકન સિટીમાં વર્ષ 2022માં ઓક્ટોબર મહિનામાં એક હૃદય દ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં ફાયરિંગમાં મેયર સહિત 18 લોકોના મોત થયા હતા.

(3:54 pm IST)