Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

ઑસ્ટ્રેલિયામાં નાની રેડીયોએક્ટિવ કેપ્શ્યૂલ ગાયબ:મોટો ખળભળાટ:ગંભીર બીમારીનો ડર

10થી 16 જાન્યુઆરી વચ્ચે એક રેડિયોએક્ટિવ કેપશ્યૂલ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ન્યૂમેનમાં એક ખાણમાં પડતા સરકારે એડવાઈઝરી જારી કરી

સિડનીઃ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં સિક્કા કરતાં પણ નાની 'રેડિયોએક્ટિવ કેપ્શ્યૂલ' ગાયબ થવાના કારણે ખળભળાટ મચી ગઈ છે. આ કેપ્શ્યૂલની અંદર રેડિયોએક્ટિવ સીઝિયમ-137 ભરવામાં આવે છે, તેનો ઉપયોગ સામાન્ય રીતે ખનનના કામમાં થાય છે.  તેને અડવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થવાનો ખતરો છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના સુરક્ષા દળ અને રિસર્ચ ટીમ તેને શોધી રહી છે. 10-16 જાન્યુઆરીની વચ્ચે તે ન્યૂમેન અને પર્થની  વચ્ચે ટ્રક દ્વારા માઇનિંગ સાઇટ પર લઈ જતી વખતે પડી હતી. સરકારને ડર છે કે તે સામાન્ય નાગરિકના હાથમાં આવી જશે.

 

10થી 16 જાન્યુઆરીની વચ્ચે, એક રેડિયોએક્ટિવ કેપશ્યૂલ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ન્યૂમેનમાં એક ખાણમાં પડી હતી. આ કેપ્શ્યૂલ એટલી ખતરનાક છે કે સરકારે એડવાઈઝરી પણ જારી કરી છે. તેને અડવાથી ગંભીર બીમારી અથવા મૃત્યુ પણ થઈ શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેપ્શ્યૂલ ન્યુમેન અને પર્થની વચ્ચે પડી છે, જેની વચ્ચેનું અંતર 1400 કિલોમીટર છે. નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે, જો તેઓ તેને જુએ તો તેનાથી દૂર રહે, તેને સ્પર્શ ન કરે.

 

ડિપાર્ટમેન્ટ ઓફ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ઓસ્ટ્રેલિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ કેપ્શ્યૂલનો ઉપયોગ હથિયાર તરીકે નથી થતો. રેડિયોએક્ટિવ સીઝિયમ-137 પદાર્થનો સામાન્ય રીતે ખનનમાં ઉપયોગ થાય છે. પરંતુ તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે. ડિપાર્ટમેન્ટે એક તસવીર બહાર પાડી છે જેમાં કેપ્શ્યૂલની લંબાઈ 8 મીમી અને પહોળાઈ 6 મીમી છે. તેનું કદ ઓસ્ટ્રેલિયન 10 સેન્ટના સિક્કા કરતા નાનું લાગે છે.

 

આ રેડિયોએક્ટિવ કેપ્શ્યૂલ પર્થથી ન્યૂમેન સુધી 1,400 કિલોમીટરના અંતરમાં પડી છે. જોકે સમગ્ર રૂટની તપાસ કરવામાં આવી છે. હવે જ્યાં જ્યાં ટ્રક રોકી હતી તે સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે. લોકોને ચેતવણી આપતા, DFESએ કહ્યું કે જો તેઓ આવી કોઈ વસ્તુ જુએ, તો તરત જ વિભાગને ફોન કરો અને તે વસ્તુથી ઓછામાં ઓછા 5 મીટર દૂર રહો. DFESએ 133337 નંબર જાહેર કર્યો છે અને તેના પર કોલ કરીને માહિતી આપવા અપીલ કરી છે.

(6:37 pm IST)