Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ડચ હેલ્થ ટેક ફર્મ ફિલિપ્સે કંપનીમાંથી ૬૦૦૦ નોકરીઓને ખતમ કરવાની જાહેરાત

અડધી નોકરીઓમાં ઘટાડો આ વર્ષે કરવામાં આવશે અને બાકીની અડધો ઘટાડો 2025 સુધી થઈ જશેઃ નફામાં સુધારો કરવા માટે આ નિર્ણય કર્યો: કંપની

નવી દિલ્‍હીઃ   દુનિયાભરની કંપનીઓમાં મંદીની આશંકાની વચ્ચે છટણીનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. હવે ડચ હેલ્થ ટેક ફર્મ ફિલિપ્સે કંપનીમાંથી 6000 નોકરીઓને ખતમ કરવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે તેના નફામાં સુધારો કરવા માટે આ નિર્ણય કર્યો છે. રોયટર્સના જણાવ્યા અનુસાર કંપનીએ કહ્યું કે અડધી નોકરીઓમાં ઘટાડો આ વર્ષે કરવામાં આવશે અને બાકીની અડધો ઘટાડો 2025 સુધી થઈ જશે.

કંપનીએ આ પગલું ફિલિપ્સ સાથે હાલમાં રિકોલ થયેલા કંપનીના નુકસાન પછી ઉઠાવ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે કેટલાંક સમય પહેલાં દોષપૂર્ણ સ્લીપ રેસ્પિરેટર્સના કારણે ફર્મને મોટાપાયે પોતાની પ્રોડક્ટ્સ પાછી લેવી પડી હતી.

તેના કારણે કંપનીની માર્કેટ વેલ્યુ 70 ટકા ઓછી થઈ ગઈ. કંપનીના નવા ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર રોય જેકબ્સે કહ્યું કે ફિલિપ્સ મજબૂત બજાર સ્થિતિની આખી ક્ષમતાનો લાભ ઉઠાવી રહી નથી. કેમ કે તે એક મહત્વના ઓપરેશનલ પડકારનો સામનો કરી રહ્યું છે. જેકબ્સે કહ્યું કે કંપનીને દર્દીની સેફ્ટી, ક્વોલિટી અને સપ્લાય ચેનની વિશ્વસનીયતામાં પણ સુધારો કરવો પડશે. આ પહેલાં પણ ફિલિપ્સ કંપનીમાં છટણી થઈ હતી. ફિલિપ્સે થોડા સમય પહેલાં પણ નોકરીમાં ઘટાડાની જાહેરાત કરી હતી. લગભગ 3 મહિના પહેલાં એટલે ઓક્ટોબર 2022માં કંપનીઓ પોતાના 4000 કર્મચારીઓની છટણી કરી હતી, જે તેના ટોટલ વર્કફોર્સના 5 ટકા હતા.

(11:09 pm IST)