Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મનમોહનસિંહ વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ

પૂર્વ વડાપ્રધાને રચેલી સચ્ચર કમિટિની વેલીડીટી સામે અરજી : સનાતન ધર્મ નામની સંસ્થાએ કમિટિની રચનાને ગેરબંધારણીય ગણાવી

નવી દિલ્હી તા. ૩૦ : ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને કઠેડામાં ઉભા કરવા એક હિંદુ સંગઠને સચ્ચર કમિટી વિરૂધ્ધ અરજી સુપ્રીમમાં કરી છે. જેમાં કહેવાયું છે કે આ અધિસૂચના કોઇ કેબીનેટના નિર્ણયનું પરિણામ નહોતી પણ તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહની ઇચ્છા પર આધારિત હતી. સમિતિની રચના ભારતીય બંધારણના અનુચ્છેદ-૭૭નું ઉલ્લંઘન છે. સચ્ચર સમિતી ગેરબંધારણીય અને બિનકાયદેસર છે કેમકે તે રાષ્ટ્રપતિના આદેશ હેઠળ નથી.

સનાતન વૈદિક ધર્મ નામની સંસ્થાએ કહ્યું છે કે, મનમોહનસિંહે પોતાની રીતે કમિટીની રચનાના આદેશ આપ્યા હતા જે ગેરબંધારણીય છે. કોઇ ખાસ ધાર્મિક સમુદાય માટે આ પ્રકારના પંચની રચના ના કરી શકાય. સચ્ચર સમિતિ ૭ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતી હતી. જેની અધ્યક્ષતા દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ રાજીંદર સચ્ચરે કરી હતી. સમિતિએ ભારતમાં મુસલમાનોના સમાવેશી વિકાસ માટે સૂચનો કર્યા હતા. આ અરજીમાં સમિતીના રિપોર્ટના અમલ પર રોક લગાવવાની પણ માંગણી કરાઇ હતી.

એડવોકેટ વિષ્ણુશંકર જૈને કહ્યું કે, પીએમઓ દ્વારા ૯ માર્ચ ૨૦૦૫ના રોજ બહાર પડાયેલ અધિસૂચનામાં કયાંય પણ એવો ઉલ્લેખ નથી કે તેને કોઇ કેબીનેટ નિર્ણય પછી બહાર પડાઇ હોય. મનમોહનસિંહ પોતાની મરજીથી મુસ્લિમ સમુદાયની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિની તપાસ માટે કમિટીની રચનાનો આદેશ આપ્યો હતો.

તેમનું કહેવું છે કે, અનુચ્છેદ ૧૪ અને ૧૫ના આધારે કોઇ પણ ધાર્મિક સમુદાય સાથે અલગ વ્યવહાર ના કરી શકાય. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ માટે આયોગ નિમવાની સત્તા ભારતના બંધારણના અનુચ્છેદ ૩૪૦ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ પાસે છે.

અરજીમાં એ પણ કહેવાયું છે કે મુસ્લિમ સમુદાય પોતે પણ નથી સમજી શકતો કે સમુદાય પોતાના બાળકોને શાળાના બદલે મદ્રેસામાં ભણાવવામાં કેમ વિશ્વાસ રાખે છે. એ લોકો પરિવાર નિયોજન પણ નથી કરતા જેના લીધે મુશ્કેલીઓ વધે છે. અરજીમાં કહેવાયું છે કે એસસી - એસટી કેટેગરીના લોકો કોઇ પણ ખાસ ધર્મના લોકોથી વધારે ખરાબ પરિસ્થિતિમાં રહી રહ્યા છે.

(2:42 pm IST)