Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

હિમાચલ : ભારે વરસાદ : પૂર : ૧૪ના મોત

જયારે ૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે : આગામી ૪૮ કલાક માટે હિમાચલ પ્રદેશના ચાર જિલ્લા માટે રેડ અલર્ટ અને આઠ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ

સિમલા,તા. ૩૦:  હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૨ દિવસથી પડેલા ભારે વરસાદે ખુબ તબાહી મચાવી છે અને મૂસળધાર વરસાદના કારણે અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં ૧૪ લોકોના મોત થઈ ચૂકયા છે. જયારે ૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારતીય હવામાન  વિજ્ઞાન વિભાગ (IMD)એ આગામી ૪૮ કલાક માટે હિમાચલ પ્રદેશના ચાર જિલ્લા માટે રેડ અલર્ટ અને આઠ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ બહાર પાડી છે.

ભારતીય હવામાન ખાતાએ ઉત્ત્।રાખંડમાં ૨ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. શુક્રવારે ઉત્ત્।રકાશી, દહેરાદૂન, ટિહરી, પૌડી, નૈનીતાલ,  બાગેશ્વર, અને પિથૌરાગઢ જિલ્લામાં ભારે વરસાદની શકયતા છે. જેને લઈને હવામાન ખાતાએ ઓરેન્જ અલર્ટ જાહેર કરી છે. આ ઉપરાંત શનિવાર અને રવિવાર માટે દહેરાદૂન, નૈનીતાલ, બાગેશ્વર અને પિથૌરાગઢમાં યલ્લો અલર્ટ જાહેર કરાઈ છે. અહીં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન ખાતાએ મધ્ય પ્રદેશના ૧૫ જિલ્લામાં ભારે વરસાદની ઓરેન્જ અલર્ટ જાહેર કરી છે. રાજયના ટીકમગઢ, છતરપુર, સાગર, દતિયા, શિવપુરી, અનુપપુર, ડિંડોરી, નીમચ, મંદસૌર, રતલામ, બાલાઘાટ, મંડલા, શ્યોપુર, મુરૈના અને ભીંડ જિલ્લાઓના અલગ અલગ સ્થાનો પર ગરજ સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની પડી સંભાવના છે. આ જિલ્લાઓમાં ૬૪.૫ મિમી થી ૧૧૫.૫ મિમી વચ્ચે વરસાદ પડી શકે છે.

IMD એ રાજસ્થાનના અનેક જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ અલર્ટ જાહેર કરતા ભારે વરસાદની ચેતવણી આપી છે. નાગૌર, સીકર, અને અજમેર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ (૧૧૫ થી ૨૦૪ મિમી) ની શકયતા છે અને આ સ્થાનો માટે રેડ અલર્ટ જાહેર કરાઈ છે. જયપુર, ઝૂંઝૂનું, ટોંક, કોટા, ભીલવાડા, બારા, ચુરુ, અને ઝાલાવાડ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શકયતા છે. જેના માટે હવામાન ખાતાએ ઓરેન્જ અલર્ટ જાહેર કરી છે.

(11:27 am IST)