Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

હોમ ઇન્શ્યોરન્સઃ સરકાર લાવશે સૌથી મોટી યોજના

પૂર, ભૂકંપ, આગથી ઘરોને સુરક્ષા કવચ આપશે મોદી સરકાર!

દર વર્ષે પૂર, ભૂકંપ, આગ લાગવી, કે કોઈ પણ પ્રકારની કુદરતી આફતથી લાખો લોકોના ઘર તબાહ થઈ જાય છેઃ જેમાં મોટાભાગના એવા પરિવાર હોય છે જેમના દ્વારા ફરીથી ઘર બનાવી શકવું મુશ્કેલ બની જાય છે.: કેન્દ્ર સરકાર હવે લોકો માટે હોમ ઈન્શ્યોરન્સ સંલગ્ન એક મોટી યોજના પર કામ કરી રહી છે

નવી દિલ્હી, તા.૩૦:  દર વર્ષે પૂર, ભૂકંપ, આગ લાગવી, કે કોઈ પણ પ્રકારની કુદરતી આફતથી લાખો લોકોના ઘર તબાહ થઈ જાય છે. જેમાં મોટાભાગના એવા પરિવાર હોય છે જેમના દ્વારા ફરીથી ઘર બનાવી શકવું મુશ્કેલ બની જાય છે. કેન્દ્ર સરકાર હવે લોકો માટે હોમ ઈન્શ્યોરન્સ સંલગ્ન એક મોટી યોજના પર કામ કરી રહી છે.

કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના  (PMJJY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) ની જેમ લોકોના દ્યરોની સુરક્ષા માટે પણ વીમા યોજના લોન્ચ કરવાની છે. કેન્દ્ર સરકાર હોમ ઈન્શ્યોરન્સ સ્કીમ દ્વારા કુદરતી આફત જેમ કે પૂર, ભૂકંપ દરમિયાન લોકોના ઘરોને થતા નુકસાનને કવર કરવા માટે ૩ લાખ રૂપિયા સુધીનો ઈન્શ્યોરન્સ કવરેજ આપશે, આ સાથે જ ૩ લાખ રૂપિયા સુધી કવરેજ દ્યરના સામાનનો હશે અને ૩-૩ લાખ રૂપિયા સુધીનો પર્સનલ એકિસડન્ટ કવર પોલીસી લેનારા પરિવારના બે લોકોને આપવામાં આવશે.

મળતી માહિતી મુજબ પોલીસીને લઈને એક વ્યાપક રૂપરેખા પહેલેથી જ તૈયાર થઈ ચૂકી છે. વાત ફકત પ્રીમીયમને લઈને અટકી છે. વાત જાણે એમ છે કે વીમા કંપનીઓ તરફથી પ્રતિ પોલીસી ૧૦૦૦ રૂપિયાથી ઉપર કોટેશન અપાયું છે. પરંતુ કેન્દ્ર સરકાર તેને ૫૦૦ રૂપિયા સુધી જ સીમિત રાખવા માંગે છે. તેમા ખાનગી અને સરકારી બંને કંપનીઓ સામેલ છે. જો ખાનગી કંપનીઓ પ્રીમીયમ ઓછું નહીં કરે તો આ યોજના સરકારી કંપનીઓ દ્વારા સમગ્ર દેશમાં લાગુ કરાશે. જો કે પ્રીમીયમને લઈને વીમા કંપનીઓ સાથે સરકારની વાતચીત હજુ પણ ચાલુ છે.

આપણા દેશમાં જેટલી જાગૃતતા હેલ્થ ઈન્શ્યોરન્સ, લાઈફ ઈન્શ્યોરન્સને લઈને છે એટલી હોમ ઈન્શ્યોરન્સ વિશે નથી. સરકારની આ યોજના ગ્રાહકો અને વીમા કંપનીઓ બંને માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સરકાર આ યોજના પર ખુબ ઝડપથી કામ કરી રહી છે. કેન્દ્ર સરકારની યોજના જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા થશે અને તેનું પ્રીમીયમ લોકોના બેંક એકાઉન્ટ સાથે લિંક હશે, જે રીતે PMJJY, PMSBY યોજનાઓમાં થાય છે.

(1:03 pm IST)