Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

આસામ દ્વારા મિઝોરમની આર્થિક નાકાબંધી કરાઈ

બોર્ડર વિવાદ લોહિયાળ, બે રાજ્યો આમને-સામને : બરાક ખીણમાં લોકોએ આર્થિક નાકાબંધી કરી હોવાથી મિઝોરમમાં જરૂરી વસ્તુઓનો સપ્લાય પ્રભાવિત થયો

ઐઝવાલ, તા.૩૦ : મિઝોરમ અને આસામ વચ્ચે ચાલી રહેલો બોર્ડર વિવાદ લોહીયાળ બન્યા બાદ બંને રાજ્યો આમને સામને છે.

મિઝોરમ પોલીસ અને આસામ પોલીસ વચ્ચે થયેલા ફાયરિંગમાં આસામ પોલીસના સાત જવાનોના મોત બાદ સર્જાયેલો તનાવ ઓછો થયો નથી અને બીજી તરફ આસામ દ્વારા હવે મિઝોરમની નાકા બંધી કરી દેવામાં આવી છે. આસામની બરાક ખીણમાં લોકોએ આર્થિક નાકાબંધી કરી દીધી હોવાથી મિઝોરમમાં જરૂરી વસ્તુઓનો સપ્લાય પ્રભાવિત થઈ રહ્યો છે.

જોકે મિઝોરમના સપ્લાય મિનિસ્ટર કે.કાલરિનલિયાનાએ કહ્યુ છે કે, રાજ્ય સરકારે હવે બીજા બે પાડોશી રાજ્યો પાસેથી તેલ, એલપીજી અને ચોખા જેવી વસ્તુઓ મંગાવવાનુ શરૂ કર્યુ છે. મિઝોરમની બોર્ડર મણિપુર તેમજ ત્રિપુરા સાથે પણ જોડાયેલી છે. મિઝોરમે હવે આ રાજ્યોમાંથી પેટ્રોલ ડિઝલ મંગાવવાનુ શરૂ કર્યુ છે.

મંત્રીએ કહ્યુ હતુ કે, મિઝોરમ પાસે ત્રણ મહિના ચાલે તેટલો ચોખાનો જથ્થો છે. રાજ્ય સરકાર દ્વારા આવશ્યક વસ્તુઓ માટે બીજા પાડોશી રાજ્યો સાથે વાત ચાલી રહી છે. આસામ થઈને આવતો સપ્લાય બંધ હોવા છતા રાજ્યમાં જરૂરી વસ્તુઓની અછત હોવાના અહેવાલો મળ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈવે ૩૦૬ આસામમાંથી પસાર થાય છે અને તે મિઝોરમને આસામ થકી દેશ સાથે જોડે છે.

(7:35 pm IST)