Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

અભિનેત્રીઓનું શોષણ કરવા માગતા ૪ની ધોલાઈ

ફિલ્મમાં કામ અપાવવા નિર્માતાને ખુશ કરવા કહેવાયું : મરાઠી અભિનેત્રીએ માહિતી આપ્યા બાદ છટકું ગોઠવીને ફાર્મ હાઉસ પર ત્રાટકી મનસેના કાર્યકરોએ ધુલાઈ કરી

મુંબઈ, તા.૩૦ : ફિલ્મમાં કામ અપાવવાના નામે નવોદિત અભિનેત્રીનુ શારિરિક શોષણ કરવા માંગતા ચાર કાસ્ટિંગ ડાયરેક્ટોની રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકરોએ ધોલાઈ કરી છે.

મનસેની સિને વિંગના અધ્યક્ષ અમેય ખોપકરે જાણકારી આપતા કહ્યુ હતુ કે, એક મરાઠી અભિનેત્રીએ સિને વિંગના ઉપાધ્યક્ષ પદ્મનાભ રાણેને ફોન કરીને જાણકારી આપી હતી. આ અભિનેત્રીને કાસ્ટિંગ ડાયરેકટરે ફિલ્મમાં કામ અપાવવાનો વાયદો કર્યો હતો પણ તેના બદલામાં ફિલ્મના નિર્માતાને ખુશ કરવા માટે કહેવાયુ હતુ અને તો જ રોલ અપાશે તેવી શરત મુકાઈ હતી.

અભિનેત્રીને આ ચારે કાસ્ટિંગ ડાયરેકટરોએ થાણે પાસે એક ફાર્મ હાઉસમાં બોલાવી હતી. જોકે અભિનેત્રીએ મનસેને આ બાબતની જાણ કર્યા બાદ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ. જેના ભાગરૂપે અભિનેત્રીને ફાર્મ હાઉસ પર મોકલવામાં આવી હતી અને તેની પાછળ મનસેના કાર્યકરો પહોંચ્યા હતા.

 તેમણે આ ચારે ડાયરેકટરોની જોરદાર ધુલાઈ કરી હતી અને બાદમાં તેમને પોલીસને સોંપી દીધા હતા.

આ ચારેના નામ ગિરિજેશ યાદવ, બિરાલાલ યાદવ, રાહુલ યાદવ અને કંચન યાદવ હોવાનુ બહાર આવ્યુ છે.    

(7:40 pm IST)