Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

રાહુલ ગાંધીએ ગુરુવારે લીધી કોરોનાની વેક્સીન :બે દિવસથી નથી આવતા સંસદ

રસીને લઈને અનેક વખત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર લડાઇ થઈ હતી.

નવી દિલ્હી : લાંબા સમયથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કોરોનાની રસી લેવા અંગે શંકા હતી અને ભારતીય જનતા પાર્ટી તરફથી અનેક વખત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ હવે એવા અહેવાલ છે કે કોંગ્રેસના નેતાએ ગઈકાલે ગુરુવારે રસી લઇ લીધી છે. કાલે અને આજે તે સંસદમાં પણ આવ્યા નહોતા

લાંબા સમયથી રાહુલ ગાંધીના રસી લેવાને લઇને અટકળો ચાલી રહી હતી કે તેમણે રસી લીધી છે કે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ ગઈકાલે રસી લીધી છે અને છેલ્લા બે દિવસથી તેઓ સંસદમાં પણ આવી રહ્યા નથી. રસીને લઈને અનેક વખત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર લડાઇ થઈ હતી.

ગયા મહિને, 17 જૂને, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દ્વારા જાણ કરવામાં આવી હતી કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રસીના બંને ડોઝ લીધા છે.

ગયા મહિને, 16 જૂનના રોજ, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક ટ્વીટ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પરિવારજનોને રસી વિશે પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે લખ્યું, 'ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ જવાબદારી સાથે એક જ પ્રશ્ન પૂછે છે આદરણીય સોનિયા જી, રાહુલ જી, પ્રિયંકા જી, તમે ત્રણેય કોંગ્રેસના છો, ત્રણેય કહો કે તમે પહેલો ડોઝ ક્યારે લીધો હતો અને બીજો ડોઝ ક્યારે લીધો? '

સંબિત પાત્રાએ વધુમાં પૂછ્યું, 'ગાંધી પરિવાર વેક્સીનેટેડ છે કે નહીં. ગાંધી પરિવાર રસીમાં વિશ્વાશ કરે છે કે નહીં.'તેના પર કોંગ્રેસ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, 'કોંગ્રેસ અધ્યક્ષ (સોનિયા) ની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. કોંગ્રેસ અધ્યક્ષના પુત્ર રાહુલ ગાંધી ડોક્ટરની સલાહ મુજબ કોવિડ માંથી સ્વસ્થ થયા બાદ રસી લેશે.

તેમણે વધુમાં કહ્યું કે, 'બિનજરૂરી મુદ્દાઓ બનાવવાને બદલે, મોદી સરકારે દરરોજ 80 લાખથી એક કરોડ લોકોને રસી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી 31 ડિસેમ્બર 2021 સુધીમાં તમામ 100 કરોડ ભારતીયોના રસીકરણનું લક્ષ્‍ય પ્રાપ્ત કરી શકાય.'

ત્યારે સુરજેવાલાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીને 16 એપ્રિલના રોજ રસી અપાવવાની છે. પરંતુ તે કોરોનાની પકડમાં આવ્યા અને હવે તે ડોકટરોની સલાહ મુજબ જ રસી લેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ રસીનો પ્રથમ ડોઝ લીધો છે.

(9:41 pm IST)