Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મુંબઈમાં ફરી સીએનજીની કિંમતોમાં થયેલો વધારો

સીએનજીની કિંમતોમાં અત્યાર સુધી ૧૪ વખત વધારો : મુંબઈમાં સીએનજીમાં ૩.૯૬ રૂપિયા પ્રતિ કિલોના હિસાબના વધારા પછી હવે નવો ભાવ ૬૧.૫ રૂપિયા

મુંબઈ, તા.૨૮ : એક તરફ સરકાર કહે છે કે પેટ્રોલ-ડીઝલના બદલે ગ્રીન ઇંધણના વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ. જોકે ગ્રીન ઇંધણના વિકલ્પ પણ સતત મોંઘા થઇ રહ્યા છે. દેશભરમાં ગ્રીન અને બીજા વિકલ્પો તરીકે જે ઇંધણનો ઉપયોગ કરવામાં આવે છે તે સીએનજી છે. જોકે સીએનજીની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. મુંબઈમાં ફરી કિંમતોમાં વધારો થયો છે. મુંબઈમાં સીએનજીમાં ૩.૯૬ રૂપિયા પ્રતિ કિલોના હિસાબના વધારા પછી હવે નવો ભાવ ૬૧.૫ રૂપિયા પ્રતિ કિલો થયો છે.

આ નવી કિંમતો શનિવારથી લાગુ થઇ ગઈ છે. જો ૨ મહિનાની વાત કરવામાં આવે તો મહાનગર ગેસ લિમિટેડે સીએનજીની કિંમતોમાં ત્રીજી વખત વધારો કર્યો છે. જો ૧૦ મહિનાની વાત કરવામાં આવે તો સીએનજીની કિંમતોમાં અત્યાર સુધી ૧૪ વખત વધારો કરવામાં આવ્યો છે.

પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં સીએનજીને (ઝ્રદ્ગય્) સૌથી સારું ગ્રીન ફ્યૂલ માનવામાં આવે છે. આટલું જ નહીં પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં સીએનજીની કિંમતો ઘણી ઓછી છે. પર્યાવરણને નુકસાન ના થાય એ સિવાય ગ્રાહકોને પણ આર્થિક રીતે બચત થાય છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા વટાવી ગયા પછી ઓટો રિક્ષા, ટેક્સી અને પેસેન્જર વ્હીકલ સીએનજી પર શિફ્ટ થઇ ગયા છે. સતત થઇ રહેલા વધારાના કારણે સામાન્ય લોકોને ટ્રાન્સપોર્ટેશન માટે વધારે પૈસા ચુકવવા પડી રહ્યા છે.

આ પહેલા ઓક્ટોબરમાં દિલ્હી સહિત અન્ય શહેરોમાં CNG અને PNGની કિંમતમાં વધારો થયો હતો. દિલ્હીમાં CNGની કિંમતમાં ૨.૨૮ રૂપિયાનો ભાવ વધારો થયો હતો. અમદાવાદની વાત કરીએ તો સીએનજીની કિંમતમાં ૨.૫૬નો વધારો કરાયો હતો. જે બાદમાં હવે એક કિલોગ્રામ સીએનજીની કિંમત ૬૧.૪૯ રૂપિયા પર પહોંચી છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે સીએનજીની કિંમતમાં પણ વધારો કરાતા સામાન્ય લોકો પરેશાન થઈ ગયા છે.

(9:15 pm IST)