Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

જિઓના ગ્રાહકોને મોટો ઝટકો ; પ્રીપેડ ટેરિફ પ્લાનમાં 20 ટકાનો વધારો કરવાની જાહેરાત

જિઓએ પ્લાન્સની કિંમતોમાં 16 રુપિયાથી માંડીને 480 રુપિયા સુધીનો વધારો કર્યો : એરટેલ અને વોડાફોન પ્રીપેડ રેટમાં વધારાની જાહેરાત કરી ચૂકી છે

મુંબઈ : મુકેશ અંબાણીની આગેવાની જિઓએ એરટેલ અને વોડાફોનને પગલે ચાલીને તેના પ્રીપેડ રેટમાં 20 ટકાનો વધારાની જાહેરાત કરી દીધી છે. જિઓએ કહ્યું કે નવા રેટ 1 ડિેસમ્બરથી લાગુ પડશે. જિઓએ 20 ટકા પ્રીપેડ રેટ વધારાની જાહેરાત કરી છે. જિઓએ બહાર પાડેલી પ્રેસ રિલિઝમાં જણાવાયું છે કે જિઓ સૌથી ઓછા ભાવે બેસ્ટ ક્વોલિટિની સેવા આપવા કટિબદ્ધ છે. જિઓના ગ્રાહકોને સૌથી મોટો લાભ મળવાનું ચાલુ રહેશે. 

જિઓએ પ્લાન્સની કિંમતોમાં 16 રુપિયાથી માંડીને 480 રુપિયા સુધીનો વધારો કર્યો છે. જિયોફોન માટે ખાસ કરીને લાવવામાં આવેલા જુના 75 રુપિયાના પ્લાનની નવી કિંમત હવે 91 રુપિયા નક્કી કરાઈ છે. 129 રુપિયાનો ટેરિફ પ્લાન હવે 155 રુપિયામાં મળશે. 365 દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં સૌથી વધારે 480 રુપિયાનો વધારો કરાયો છે, 2399 રુપિયામાં મળતો વાર્ષિક પ્લાન હવે રુપિયા 2879 માં મળશે.

એરટેલ અને વોડાફોન આઇડિયાએ વોઇસ પ્લાન, અનલિમિટેડ વોઇસ પ્લાન અને ડેટા ટોપ-અપ્સ સહિત વિવિધ પ્રીપેડ પ્લાન્સના દરમાં 20-25 ટકાનો વધારો કર્યો છે. નવા દરો શુક્રવાર, 26 નવેમ્બરથી અમલમાં આવ્યા હતા. એરટેલ બાદ વોડાફોન આઇડિયાએ પણ ટેરિફ પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. વોડાફોન આઇડિયાએ તમામ પ્લાનમાં મોબાઇલ કોલ અને ડેટા રેટમાં 20-25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. વધેલા દરો ૨૫ નવેમ્બરથી અમલમાં આવ્યા હતા. 

(11:09 pm IST)