Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ઓમીક્રોન વેરિયન્ટને રોકવા ન્યૂયોર્કમાં કટોકટી જાહેર

Omicronનો ડર : વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, : અનેક દેશોએ સાઉથ આફ્રિકાની ફ્લાઈટ્સ બંધ કરાવી

૧, તા.૨૮ : વોશિંગ્ટન- ન્યૂયોર્કના ગવર્નરે ઈમર્જન્સીની સ્થિતિની જાહેરાત કરી છે. એપ્રિલ ૨૦૨૦માં કોરોના વાયરસ ફેલાવવાની શરુઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી વર્તમાન સ્થિતિ સૌથી વધારે ગંભીર છે. તેમણે જણાવ્યું કે, બોત્સવાનામાંથી કોવિડનો જે ચિંતાજનક વેરિયન્ટ મળી આવ્યો છે તેનાથી બચવાની જરુર છે. મહામારીના નિષ્ણાંત વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ વેરિયન્ટ અત્યંત ચિંતાજનક છે અને મહામારી ૨.૦ને ફેલાવી શકે છે. વૈજ્ઞાનિકોની ચેતવણી પછી જ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે નિષ્ણાંતોએ વિવિધ દેશોને આગ્રહ કર્યો છે કે ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવે. અમેરિકામાં મ્યૂટન્ટ સ્ટ્રેન ઓમીક્રોનનો પ્રવેશ ના થાય તે માટે આઠ સાઉથ આફ્રિકન દેશોની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પ્રતિબંધ સોમવારથી લાગુ પડશે. શુક્રવારે રાત્રે દક્ષિણ આફ્રિકાથી એક ફ્લાઈટ નીધરલેન્ડમાં લેન્ડ થઈ હતી, જેમાં અનેક લોકો ઓમીક્રોનથી સંક્રમિત હતા. તમામ મુસાફરોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા અને હવે તેમના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

અમ્પાયર સ્ટેટના ગવર્નર કૈથી હોચુલે જણાવ્યું કે, જો હોસ્પિટલની ક્ષમતામાં ચિંતાજનક ઘટાડો નોંધાશે તો ૩ ડિસેમ્બરથી તમામ બિનજરુરી પ્રક્રિયાઓને સ્થગિત કરવામાં આવશે. જો કોઈ હોસ્પિટલ પાસે ૧૦ ટકાથી ઓછી સ્ટાફ બેડ ક્ષમતા બચશે તો બિનજરુરી અથવા વૈકલ્પિક સુવિધાઓ રદ્દ કરવાની મંજૂરી આપવામાં આવશે. કોરોના સંક્રમણનો દર એપ્રિલ ૨૦૨૦ પછીથી અત્યારે મહત્તમ સ્તર પર છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈમર્જન્સીની જાહેરાત કરવામાં આવી છે. હોચુલે આગળ જણાવ્યું કે, ઓમીક્રોન સંક્રમણના કેસ હજી સુધી ન્યૂયોર્કમાં નથી મળ્યા. અમેરિકાના સ્વાસ્થ્ય તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે કો તેઓ વહેલી તકે કોરોના સંક્રમિત લોકોની ઓળખ કરી લેશે. અમેરિકા સિવાય શ્રીલંકા, પાકિસ્તાન જેવા એશિયન દેશોએ પણ આફ્રિકન દેશો પર ટ્રાવેલ બેન મૂકી દીધો છે. પાકિસ્તાનમાં કોરોનાનો સામનો કરવા માટે નીતિઓ તૈયાર કરવા માટે એનસીઓસી એક મુખ્ય સંગઠન છે.

(12:00 am IST)