Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ડાયાબીટીસ મોંઘી બિમારી છેઃ દર્દીઓને સરકારે સબસીડી આપવી જોઇએઃ જસ્ટીસ રમણ

નવી દિલ્હી, તા.૨૯: દેશના મુખ્ય ન્યાયાધીશ એન વી રમણે રવિવારે કહ્યું કે ડાયાબીટીસ જીવનભર હેરાન કરતી એક મોંઘી બિમારી છે. એટલે એ જરૂરી છે કે સરકાર દર્દીઓની સારવાર માટે જરૂરી મદદ અને સબસીડી આપે.

જસ્ટીસ રમણે એક સંગોષ્ઠીમાં આ ટીપ્પણી કરી હતી. તેમણે ડાયાબીટીસને ગરીબોનો દુશ્મન ગણાવતા કહ્યું કે સ્થાનિક વસ્તીને ધ્યાનમાં રાખીને ફકત ભારતીયો પર રિસર્ચ કરાવવું જરૂરી છે. તેનાથી સાચી ઉપચાર પ્રક્રિયા વિકસીત કરવામાં મદદ મળશે. બીમારી સામે નિપટવા માટે વધારે આરોગ્ય કર્મચારીઓને પ્રશિક્ષિત કરવા પડશે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે કોરોનાએ બતાવી દીધું છે કે આપણી આરોગ્ય પ્રણાલી પર વધારે પડતું ભારણ છે. ત્યારે ડાયાબીટીસની સારવાર માટે આધુનિક દવાઓ વિકસીત કરવી એ સમયની માંગ છે. ભારતીય વૈજ્ઞાનિકો અને રીસર્ચરોએ થોડા મહિનામાં કોરોનાની રસી વિકસીત કરી તે ખુશીની વાત છે. પણ આપણે ડાયાબીટીસનો એક સ્થાયી ઇલાજ શોધવાની નજીક પણ નથી. આ બહુ જુની બિમારીનો કોઇ ઇલાજ મળી જાય તેવી મારી ઇચ્છા છે.

(9:58 am IST)