Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

આરએસએસ સૈન્ય સંસ્થા નથી, પણ કૌટુબિંક વાતાવરણ ધરાવતુ જૂથ છે : મોહન ભાગવત

ગ્વાલિયર,તા. ૨૯: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે સંઘ એ કંઇ સૈન્ય સંસ્થા નથી, પણ કૌટુંબિક વાતાવરણ  ધરાવતું જૂથ છે.

સંઘ એ કંઇ અખિલ ભારતીય સંગીત શાળા નથી. માર્શલ આર્ટનાં કાર્યક્રમો ત્યાં થાય છે ખરાં, પણ સંઘ અખિલ ભારતીય જિમ પણ નથી કે નથી માર્શલ આર્ટનું કલબ. અમુક વખત સંઘનો ઉલ્લેખ અર્ધલશ્કરી દળ તરીકે કરવામાં આવે છે, પણ સંઘ સૈન્ય સંસ્થા નથી. સંઘ તો કૌટુંબિક વાતાવરણ ધરાવતું જૂથ છે તેવું તેમણે કહ્યું હતું.

સંઘનાં મધ્ય ભારત પ્રાન્તના ચાર દિવસની ઘોષ શિબિર (સંગીત માટેનો કાર્યક્રમ)માં ભાગ લેતી વખતે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પશ્ર્ચિમનાં દેશો સંગીતને આનંદનું સાધન માને છે. એ ત્યાં રોમાંચ માટે વગાડવામાં આવે છે, પણ ભારતમાં સંગીત આત્માની શાંતિ માટેનું સાધન છે. આ એવી કળા છે કે જે મનને શાંત કરે છે.

આરએસએસના મધ્ય પ્રદેશ પ્રાંત (ગ્વાલિયર અને ભોપાલ વિભાગ સહિત)નાં ૩૧ જિલ્લામાંથી ૫૦૦ વાદક આ શિબિર માટે ભેગા થયા હતા.

ગત સપ્તાહ દરમિયાન ભાગવતે છતીસગઢનાં વાદકો દ્વારા વાઘ કલા પ્રદર્શનના કાર્યક્રમ શ્નઘોષ પ્રદર્શનલૃમાં  ભાગ લીધો હતો.

આરએસએસના હોદ્દેદાર વિનય દિક્ષિતે જણાવ્યું હતું કે સંઘની સ્થાપના ૧૯૨૫માં થઇ હતી, પણ સંગીત શાખા ૧૯૨૭માં શરૂ કરાઇ હતી. શાખાઓમાં તાલીમ વખતે સંગીત બેન્ડમાં ડ્રમનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવે છે.

(10:01 am IST)