Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વિદેશમાં તબીબી શિક્ષણ લેવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે નિયમો આકરા બન્‍યા

નેશનલ મેડીકલ કમીશન દ્વારા નકકી થયા મુજબ ફોરેનમાં ઓછામાં ઓછા પ૪ મહિનાનું મેડીકલ શિક્ષણ જરૂરીઃ વિદેશમાં તથા ભારતમાં એમ બંને જગ્‍યાએ ઇન્‍ટર્નશીપ કરવાની : ભારત આવીને NEXT પાસ કરીને જ પ્રેકટીસ કરી શકાશેઃ NEXT સંભવતઃ ર૦ર૩માં આવશેઃ NEET (P.G.) પણ નિકળી જશે

રાજકોટ તા. ર૯ :.. ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં મેડીકલ ક્ષેત્રને તથા તેના શિક્ષણને શિરમોર ગણવામાં આવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓનું વિઝન અને મિશન એક પ્રતિષ્‍ઠિત ડોકટર બનીને ઉજ્જવળ કારકિર્દી બનાવવાનું હોય છે. ધોરણ-૧ર સાયન્‍સમાં બી ગ્રુપ (બાયોલોજી) રાખીને મેડીકલમાં પ્રવેશ લેવા માટે પણ ભારતમાં દર વર્ષે વિદ્યાર્થીઓનો ઘસારો સતત વધતો જાય છે. નીટ (યુ. જી.)નું મેરીટ પણ દર વર્ષે ઊંચુ જતું જોવા મળે છે.
હજજારો ભારતીય વિદ્યાર્થીઓ દર વર્ષે વિદેશમાં પણ તબીબી શિક્ષણ લેવા માટે જતા હોય છે. આ ટ્રેન્‍ડ છેલ્લાં ઘણાં વર્ષોથી જોવા મળી રહ્યો છે. પરંતુ હવે વિદેશમાં તબીબી શિક્ષણ લેવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ભારતના નેશનલ મેડીકલ કાઉન્‍સિલ (NMC) દ્વારા નિયમોમાં સુધારો કરીને થોડા વધુ આકરા  બનાવવામાં આવ્‍યા છે.
આ નિયમોમાં મુખ્‍ય બાબત એ છે કે વિદેશમાં ઓછામાં ઓછું પ૪ મહિનાનું તબીબી શિક્ષણ લેનાર ભારતીય વિદ્યાર્થીઓએ ફોરેનમાં ઇન્‍ટર્નશીપ કરી હોવા છતાં પણ ભારતમાં પ્રેકટીસ કરવા માટે અહીં આવીને પણ એક વર્ષની ઇન્‍ટર્નશીપ ફરજીયાત કરવાની રહેશે. એટલે કે વિદેશમાં એમ. બી. બી. એસ. કરનાર ભારતીય વિદ્યાર્થીઓએ કુલ સાડા છ વર્ષ શિક્ષણ લેવાનું રહેશે. જયારે ભારતમાં હાલમાં NEET(U.G.) માં મેરીટ મુજબ એડમીશન મેળવીને ભારતીય વિદ્યાર્થીઓ એક વર્ષની ઇન્‍ટર્નશીપ સહિત કુલ સાડા પાંચ વર્ષમાં એમ. બી. બી. એસ. પુર્ણ કરતા હોય છે. ત્‍યારબાદ  માસ્‍ટર ડીગ્રી માટે NEET(P.G.) આપે છે.
આ ઉપરાંત વિદેશમાં ભણતા ભારતીય મેડીકલ સ્‍ટુડન્‍ટસે છેલ્લે સુધી એક જ સંસ્‍થામાં ઇંગ્‍લિશ મીડીયમમાં અભ્‍યાસ કરવાનો નિયમ પણ નેશનલ મેડીકલ કમિશન (NMC) દ્વારા બનાવવામાં આવ્‍યો હોવાનું જાણવા મળે છે. વિદેશમાં અભ્‍યાસ કરીને ભારત આવનાર ભારતીય વિદ્યાર્થીએ (નેશનલ એકઝીટ ટેસ્‍ટ) ફરજીયાત પાસ કરવાની રહેશે. ત્‍યારબાદ તે મેડીકલ પ્રેકટીસ કરવા માટે જે તે રાજયના મેડીકલ કાઉન્‍સીલ સમક્ષ અરજી કરી શકશે.
જો કે ભારતીય વિદ્યાર્થીઓએ પણ NEXT તો કલીયર કરવાની રહે જ છે. NEXT સંભવતઃ ર૦ર૩ થી લેવાની શરૂ થશે. હાલમાં ભારતીય વિદ્યાર્થીઓ માસ્‍ટર્સમાં એડમીશન લેવા માટે  NEET(P.G.)આપી રહ્યા છે તેની જગ્‍યાએ  NEXT આવી જશે. NEXT ઓનલાઇન તથા એમ. સી. કયુ. (MCQ) ટાઇપ લેવામાં આવશે. NEXTમાં સંભવતઃ પાર્ટ-૧ તથા પાર્ટ-ર રાખવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આશરે છ મહિનાની અંદર ચોકકસ નિયમો બની જવાની ધારણા છે.
હાલના નિયમો શું છે ? નવા નિયમો કોને લાગુ નહીં પડે?
હાલમાં જે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં એમ. બી. બી. એસ. કરીને ભારત આવે છે તેઓ (ફોરેન મેડીકલ ગ્રેજયુએટ એકઝામીનેશન) આપે છે અને તેમાં કવોલિફાઇડ થઇને જે તે રાજયના મેડીકલ કાઉન્‍સિલમાં પોતાનું રજીસ્‍ટ્રેશન કરાવી શકે છે. ત્‍યારબાદ તે સત્તાવાર રીતે મેડીકલ પ્રેકટીસ કરી શકે છે.
NMC ના નવા નિયમોએ વિદ્યાર્થીઓને લાગુ નહીં પડે કે જેઓએ નવા નિયમો લાગુ થતા પહેલાં જ વિદેશની મેડીકલ કોલેજોમાં એમ. બી. બી. એસ.માં એડમીશન લઇ લીધુ હોય અથવા તો ફોરેન મેડીકલ ડીગ્રી કે પછી મેડીકલ ક્ષેત્રે પ્રાયમરી કવોલિફીકેશન પ્રાપ્ત કરી લીધું હોય.
ફોરેન મેડીકલ ગ્રેજયુએટ લાયસેન્‍સીએટ રેગ્‍યુલેશન્‍સ ર૦ર૧ સંદર્ભે નોંધપાત્ર ફેરફારો થઇ રહ્યા છે.

 

(10:12 am IST)