Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

શું કરવા બેઠું છે ચીન ?

મિસાઇલ રેજિમેન્ટ - નવા રાજમાર્ગ - ડ્રોન અને ખતરનાક શસ્ત્રો : સરહદી કૃત્યોથી ભારતનું ટેન્શન

બીજિંગ તા. ૨૯ : પૂર્વ લદ્દાખમાં લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચીન સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ભારે રોકાણ કરવાનું ચાલુ રાખે છે. આવી સ્થિતિમાં ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા કરવામાં આવી રહેલા આ બાંધકામ પર ભારતે ચિંતા વ્યકત કરી છે. બંને દેશો વચ્ચે તાજેતરની વાતચીત દરમિયાન, ભારતીય પક્ષે પૂર્વી લદ્દાખ સેકટરની નજીકના વિસ્તારોમાં ચીની સેના દ્વારા કરવામાં આવેલા બાંધકામ પર ચિંતા વ્યકત કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે ભારતની ચિંતાનું કારણ એ છે કે ચીન અહીં નવા હાઈવે બનાવી રહ્યું છે. કનેકિટંગ રસ્તાઓ, નવા આવાસ અને વસાહતોનું નિર્માણ પણ કરી રહ્યું છે. ચીનની સેનાએ LACની બાજુમાં મિસાઈલ રેજિમેન્ટ સહિત ભારે હથિયારો તૈનાત કરી રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે,  સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રકચરનું અપગ્રેડેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ચીન હાઈવેને પહોળો કરી રહ્યું  છે. જયારે કાશગર, ગર ગુંસા અને હોટનમાં ચીનના બેઝ ઉપરાંત, તે હવે નવી એરસ્ટ્રીપ્સ બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે એક વ્યાપક હાઈવે પણ વિકસાવવામાં આવી રહ્યો છે, જે LAC પરના ચીની સૈન્ય થાણાઓની આંતરિક વિસ્તારો સાથે કનેકિટવિટીમાં વધુ સુધારો કરશે. ચીનની સૈન્ય તેની એરફોર્સ અને સેના માટે ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવા પર પણ ધ્યાન આપી રહી છે. જયારે તેઓ અમેરિકન અને અન્ય ઉપગ્રહોની નજરથી સુરક્ષિત છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતુ કે, ચીન દ્વારા તિબેટીયનોની ભરતી કરવા અને તેમને હાન સૈનિકો સાથે સરહદી ચોકીઓ પર તૈનાત કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ચીન આ વધુ પડકારજનક વિસ્તારમાં તિબેટના લોકોનો ઉપયોગ કરવા માંગે છે, કારણ કે ચીની સૈનિકો માટે આ કઠોર વિસ્તારોમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે.

ચીને આ ક્ષેત્રમાં દેખરેખ માટે મોટી સંખ્યામાં ડ્રોન તૈનાત કર્યા છે. તે પૂછવામાં આવ્યું કે શું તાજેતરના સમયમાં ભારતીય સરહદોની સામે તૈનાત ચીની સૈનિકોની સંખ્યામાં વધારો થયો છે. આ માટે, સૂત્રોએ જણાવ્યું હતું કે ચીને તે ક્ષેત્રમાં ક્ષમતા વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જો કે ભારતીય પક્ષ પણ ગયા વર્ષની સરખામણીએ વધુ તૈયાર છે. તેમણે આ વિસ્તારમાં કોઈપણ દુઃસાહસનો સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે.

(10:25 am IST)