Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સાઉદી અરબ પાકિસ્તાનની કરશે મદદ

બેંકમાં રાખશે અરબો ડોલર અને તેલ આપશે ઉધાર

નવી દિલ્હી તા. ૨૯ : આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનની મદદ માટે સાઉદી અરેબિયા આગળ આવ્યું છે. અખબાર જંગ અનુસાર, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના કરાર અનુસાર, સાઉદી અરેબિયા એક વર્ષ માટે પાકિસ્તાનની સ્ટેટ બેંકમાં ત્રણ અબજ ડોલર રાખશે અને તેના બદલામાં પાકિસ્તાન તેને ચાર ટકા વાર્ષિક વ્યાજ આપશે. આ સિવાય સાઉદી અરેબિયા પાકિસ્તાનને દર મહિને ૧૦૦ મિલિયન ડોલરનું તેલ ઉધાર આપશે, જેના પર પાકિસ્તાને ૩.૮% વ્યાજ ચૂકવવું પડશે. પાકિસ્તાનની કેબિનેટે પણ બંને દેશો વચ્ચેના આ કરારને મંજૂરી આપી દીધી છે.

પાકિસ્તાની મીડિયા, પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકને ટાંકીને કહે છે કે ૧૯ નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહ સુધીમાં પાકિસ્તાન પાસે માત્ર $૨૨.૭ બિલિયન વિદેશી અનામત છે. સ્ટેટ બેંક પાસે લગભગ $ ૧૬ બિલિયન છે જયારે અન્ય બેંકો પાસે લગભગ ઼૬ બિલિયન ફોરેન એકસચેન્જ રિઝર્વ છે. આ અઠવાડિયે વિદેશી દેવાની ચુકવણીને કારણે પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

વડા પ્રધાન ઇમરાન ખાનના નાણાકીય બાબતોના સલાહકારના પ્રવકતા મુઝમ્મિલ અસલમે જણાવ્યું હતું કે પાકિસ્તાનને આગામી બે મહિનામાં ત્રણ વિદેશી  સ્ત્રોતોમાંથી લગભગ ઼૭ બિલિયન મળવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે ઼૭ બિલિયન સુધી પહોંચ્યા પછી, આયાતી માલના બિલની ચૂકવણીમાં પાકિસ્તાન જે દબાણનો સામનો કરી રહ્યું છે તેને ઘટાડવામાં તે ઘણો આગળ વધશે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વિપક્ષી પાર્ટી મુસ્લિમ લીગ (નવાઝ) પર પ્રહાર કરતા કહ્યું કે મુસ્લિમ લીગે પાકિસ્તાની મીડિયાને વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો છે.

(12:35 pm IST)