Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

યુનિયન બેંકને કરોડોમાં નવડાવવા બદલ CBI ના રાજકોટ-ઉપલેટામાં દરોડા

ઉપલેટા સ્થિત મનદીપ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ડાયરેકટરો અને પાર્ટનરો સામે સીબીઆઇ કેસ નોંધાવ્યોઃ રાજકોટ અને ઉપલેટામાં કુલ ૭ જેટલા સ્થળોએ સીબીઆઇએ પાડયા દરોડા : ર૦૧૪ થી ર૦ર૦ દરમિયાન બેંકને રૂ.૪૪.૬૪ કરોડનું બુચ લગાવવામાં આવ્યુ હતુઃ કેટલાક દસ્તાવેજો અને ચીજવસ્તુઓ સીબીઆઇએ દરોડા દરમિયાન જપ્ત કરી

રાજકોટ તા.ર૯ :  યુનિયન બેંકને રૂ.૪૪.૬૪ કરોડ રૃપિયાનો ચુનો લગાવવા બદલ સીબીઆઇએ ઉપલેટા સ્થિત કંપની મનદીપ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ડાયરેકટર અને પાર્ટનરો સામે કેસ નોંધતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી મુજબ સીબીઆઇએ ડાયરેકટરો અને પાર્ટનરો અશ્વિન બી. તળાવીયા, કિશોરભાઇ એચ.વૈષ્ણવી, રામજીભાઇ એચ. ગજેરા, કલ્પેશ પ્રવિણભાઇ તળાવીયા, ભાવેશ એમ. તળાવીયા, કેટલાક અજાણ્યા લોકો સામે કેસ નોંધાવ્યો હોવાનું જાણવા મળે છે.

સીબીઆઇના પ્રવકતા આર.સી.જોશીએ આજે જણાવ્યું હતું કે, ર૦૧૪ થી ર૦ર૦ના ગાળામાં આરોપીઓએ ષડયંત્ર રચી યુનિયન બેંક પાસે વિવિધ પ્રકારની ક્રેડીટ સુવિધાઓ મેળવી એટલું જ નહીં કેસ ક્રેડીટ, ટર્મ લોન મેળવી રૂ.૪૭.૩૦ કરોડ રૃપિયાની ગોલમાલ કરી હતી.

પ્રવકતાએ જણાવ્યું હતું કે ૧પ જાન્યુઆરી ર૦ર૦ના રોજ ખાતુ  એનપીએ જાહેર કરવામાં આવ્યું હતુ, જેના કારણે બેંકને રૂ.૪૪.૬૪ કરોડનું નુકસાન થવા પામ્યુ હતુ.

કેસ નોંધ્યા બાદ સીબીઆઇએ રાજકોટ અને ઉપલેટામાં આરોપીઓના ૭ જેટલા રહેણાંક અને કચેરીઓ ખાતે દરોડા પાડયા હતા. જેમાં કેટલાક સંવેદનશીલ દસ્તાવેજો અને ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી.

(3:23 pm IST)