Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કોરોના વાયરસના નવા વેરિઅન્ટ 'ઓમિક્રોન' અને WHO એ 'હાઈ રિસ્ક' ચેતવણી જાહેર કરી

WHOએ કહ્યું-ઓમિક્રોનથી જોખમ ઘણું વધારે : આખી દુનિયામાં ફેલાઈ જવાની સંભાવના : કેટલાક વિસ્તારોમાં તેના ગંભીર પરિણામો જોવા મળી શકવાની ચેતવણી

નવી દિલ્હી :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ‘Omicron’ને લઈને ઉચ્ચ જોખમની ચેતવણી જાહેર કરી છે. WHOનું કહેવું છે કે ઓમિક્રોનથી જોખમ ઘણું વધારે છે. તે આખી દુનિયામાં ફેલાઈ જવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં તેના ગંભીર પરિણામો જોવા મળી શકે છે. યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ ટેકનિકલ નોટ જાહેર કરી છે.

જેમાં કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોનના મામલામાં મોટો ઉછાળો આવી શકે છે. જો આમ થશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

WHOએ કહ્યું છે કે, ઓમિક્રોનમાં સ્પાઇક પ્રોટીનમાં ઘણો ફેરફાર થયો છે. જે ચિંતાનો વિષય છે. અગાઉ WHOએ કહ્યું હતું કે કોવિડ-19નું નવું સ્વરૂપ ‘ઓમિક્રોન’ ડેલ્ટા વેરિઅન્ટ સહિત અન્ય કરતા વધુ ચેપી છે કે કેમ અને તે પ્રમાણમાં વધુ ગંભીર રોગ છે કે કેમ તે ‘સ્પષ્ટ નથી’. WHOએ કહ્યું હતું કે, ઓમિક્રોન સાથે સંકળાયેલા લક્ષણો અન્ય પ્રકારોથી અલગ હોવાનું સૂચવવા માટે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

 

WHO એ કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટના ગંભીરતા સ્તરને સમજવામાં ઘણા દિવસોથી લઈને કેટલાંક અઠવાડિયાનો સમય લાગશે. WHO એ વિશ્વના અન્ય દેશોને અપીલ કરી છે કે તેઓ ઓમિક્રોન અંગેની ચિંતાઓને કારણે દક્ષિણ આફ્રિકાના દેશોની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ  ન મૂકે.

આફ્રિકા માટે ડબ્લ્યુએચઓના પ્રાદેશિક નિર્દેશક, માત્શિદિસો મોએતીએ દેશોને મુસાફરી પ્રતિબંધો ટાળવા અને વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમોનું પાલન કરવા હાકલ કરી. તેમણે કહ્યું, મુસાફરી પ્રતિબંધોને કારણે, કોવિડ ચેપ થોડો ઘટાડી શકાય છે. પરંતુ તેનાથી લોકોના જીવન અને આજીવિકા પર ખૂબ જ ખરાબ અસર પડશે.

(4:51 pm IST)