Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ભાગેડૂ મેહુલ ચોક્સીએ ફરીથી અપહરણની આશંકા વ્યક્ત કરી

ચોક્સી હાલ એન્ટીગુઆના તેમના ઘરે છે : અપહરણ કરી ગયાના લઈ જઈ ત્યાંથી ગેરકાયદેસર રીતે ભારત લઈ જવાની હીરાના વેપારીએ આશંકા વ્યક્ત કરી

એન્ટીગુવા, તા.૨૯ : હીરાના વેપારી અને ભાગેડુ એવા મેહુલ ચોક્સીએ પોતાનું ફરી અપહરણ થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી છે. મેહુલ ચોક્સીના કહેવા પ્રમાણે તેને ડર છે કે, તેનું ફરી અપહરણ કરવામાં આવી શકે છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન ચોક્સીએ કહ્યું હતું કે, 'મારું ફરીથી અપહરણ કરી ગયાના લઈ જઈ શકે છે, જ્યાં ભરતીયોની વધારે પ્રમાણમાં ઉપસ્થિતિ છે. ત્યાંથી ગેરકાયદેસર રીતે ભારત લઈ જઈ શકે છે.'

ચોક્સીના કહેવા પ્રમાણે ખરાબ તબિયતના કારણે હાલ તે એન્ટીગુઆ ખાતે પોતાના ઘરે છે. જોકે તેને એવું લાગી રહ્યું છે કે ભારત લઈ જવા માટે ફરીથી એક વખત તેનું અપહરણ થઈ શકે છે. ચોક્સીના કહેવા પ્રમાણે તે કેટલાક સમયથી ડરેલો છે અને ખરાબ તબિયતના કારણે ઘરમાંથી બહાર પણ નથી નીકળી શકતો.

ચોક્સીના કહેવા પ્રમાણે તેના વકીલ એન્ટીગુઆ અને ડોમિનિકા એમ બંને કેસ લડી રહ્યા છે અને તેને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે કાંડમાંથી નિર્દોષ છૂટશે. વધુમાં જણાવ્યું કે તે એન્ટીગુઆનો નાગરિક છે અને તેની ઈચ્છા વિરુદ્ધ તેનું અપહરણ કરીને તેને અલગ દેશમાં લઈ જવામાં આવ્યો હતો.

ચોક્સીના જણાવ્યા પ્રમાણે કેટલીક સરકાર તેની ઉપસ્થિતિ સુરક્ષિત કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. જો કે તેને રાષ્ટ્રમંડળ દેશોના કાયદા વ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને ખાતરી છે કે અંતમાં તેના સાથે ન્યાય થશે.

(7:11 pm IST)