Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ઓમિક્રોન ૧૩ દેશોમાં પહોંચ્યો વિદેશીઓ માટે જાપાને બંધ કર્યા પોતાના દરવાજા

દેશમાં પણ ૭ દિવસ સુધી કોરન્ટાઇન રહેવાની રાખી છે શરત

નવી દિલ્હી,તા. ૩૦: કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન ૧૩ દેશોમાં પહોંચી ચુકયો છે. આ ખતરાને જોતા કેન્દ્ર સરકારે નવા દિશા-નિર્દેશમાં કહ્યું છે કે, ઓમિક્રોન પ્રભાવિત દેશોમાંથી મુસાફરોને ભારત પહોંચતા જ ફરજિયાતપણે કોરોના ટેસ્ટની સાથે સાથે સાત દિવસ કોરોન્ટાઈન રહેવું પડશે.

આ બાજૂ જાપાનથી સોમવારે વિદેશીઓ માટે પોતાની સરહદોને બંધ કરવાની જાહેરાત કરી હતી. દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને ઓમિક્રોનના કારણે ઈઝરાઈલ બાદ સૌથી કડક પગલા ઉઠાવ્યા છે. જાપનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ કહ્યુ છે કે, અત્યાર સુધીની સૌથી ખરાબ સ્થિતીને રોકવા માટે જાપાન મંગળવારે સાવચેતીના ભાગ રૂપે વિદેશીઓ માટે પોતાની સરહદ બંધ કરી દેશે. પીએમે આ અસ્થાયી અને અસાધારણ ઉપાય બતાવ્યો હતો, જે સુરક્ષા માટે જરૂરી છે.

ઓમિક્રોન વિશે સ્પષ્ટ જાણકારી ન મળવા સુધી તેમણે ઉપાય જરૂરી બતાવ્યો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તમામ સભ્ય દેશોને ચેતવ્યા છે કે ઓમિક્રોનના અમુક વિસ્તારોમાં ગંભીર પરિણામ આવી શકે છે અને તેના આંતરરાષ્ટ્રીય સ્તર પર ફેલાવાની આશંકા છે.

તો વળી બ્રિટેને સોમવારે કહ્યુ હતું કે, તે શકિતશાળી દેશોના જૂથ જી૭ના સ્વાસ્થ્ય મંત્રીઓની તાત્કાલિક એક બેઠક બોલાવી રહ્યા છે.આ સાથે જ બ્રિટેને જણાવ્યું છે કે, ઓમિક્રોનના મામલામાં વધારાના કારણે વેકિસનના બૂસ્ટર ડોઝ આપવાના કાર્યક્રમને તે આગળ વધારવા માટે તૈયાર છે.

બીજી તરફ, સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે કતાર, સાઉદી અરેબિયા અને સંયુકત આરબ અમીરાત સાથે રસીકરણ પર આધારિત મુસાફરીની સુવિધાઓને સમય માટે મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા ઈઝરાયેલે રવિવારની મધરાતથી પ્રતિબંધ લાગુ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને, જેમણે દક્ષિણ આફ્રિકાના દેશો પર મુસાફરી પ્રતિબંધો લાદ્યા છે, તેમણે કહ્યું કે, માહિતીના આધારે સમજદારીપૂર્વક નિર્ણય લેવામાં આવશે.

૧ ડિસેમ્બરથી કુશળ સ્થળાંતર કરનારાઓ અને વિદ્યાર્થીઓ માટે સરહદો ફરીથી ખોલવાની યોજનાઓની રાષ્ટ્રીય સુરક્ષા બેઠક પછી સમીક્ષા કરવામાં આવશે. ભારતે બુધવારથી તમામ એરપોર્ટ પર જોખમ ધરાવતા દેશોમાંથી આવતા તમામ મુસાફરો માટે કોવિડ-૧૯ ટેસ્ટનો આદેશ પણ આપ્યો છે.

WHO સભ્યોને ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા જૂથોના રસીકરણને ઝડપી બનાવવા અને આવશ્યક આરોગ્ય સેવાઓની પહોંચ જાળવી રાખવા વિનંતી કરે છે. યુ.એસ.માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડાયરેકટર ડો. ફ્રાન્સિસ કોલિન્સે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના અગાઉના કોઈપણ પ્રકાર કરતાં ઓમિક્રોન વધુ ગંભીર રોગ પેદા કરી શકે છે તે સૂચવવા માટે હજુ સુધી કોઈ ડેટા નથી. જો કે, તેના ઝડપી ફેલાવાની સંભાવનાને નજરઅંદાજ કરી શકાતી નથી.

'અમે નથી જાણતા કે ડેલ્ટાની સરખામણીમાં તે કેટલું જોખમી છે,' કોલિન્સે કહ્યું. હાલમાં, રસીકરણ, બૂસ્ટર ડોઝ, શારીરિક અંતર અને માસ્ક જેવા પગલાં પર વધુ ભાર આપવો જોઈએ. તે જ સમયે, યુએસ રાષ્ટ્રપતિના સલાહકાર, રોગચાળાના નિષ્ણાત ડો. ફૌસીએ કહ્યું કે, ઓમિક્રોન સંબંધિત સચોટ માહિતી આવવામાં ઓછામાં ઓછા બે અઠવાડિયાનો સમય લાગશે. તે પછી જ ઓમિક્રોનની તીવ્રતા, ફેલાવો અને અન્ય લાક્ષણિકતાઓ જાણી શકાશે.

સ્કોટલેન્ડ, પોર્ટુગલ, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બોત્સ્વાના, યુકે, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, હોંગકોંગ, ઇઝરાયેલ, ઇટાલી, નેધરલેન્ડ અને દક્ષિણ આફ્રિકા. કેટલાક યુરોપિયન દેશોમાં પણ કેસ નોંધાયા છે.

(10:08 am IST)