Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

સહારાના સુબ્રતો રોય સહિત ૧૮ સામે નોંધાયો કેસ

બોગસ કંપની અને સોસાયટીઓ બનાવીને ૨૫ લાખ લોકોને છેતર્યા : ૨૫ લાખ કરોડની છેતરપિંડી

કાનપુર, તા.૩૦ : કાનપુરના કાકાદેવ પોલિસ સ્ટેશનમાં રવિવારે સહારાના પ્રમુખ સહિત ૧૮ લોકો સામે ધોખાથી, જાલસાજી, ષડયંત્ર રચવા સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના વકીલની માંગણી પર પોલિસ કમિશનરના આદેશ પર કાકાદેવ પોલિસે કાર્યવાહી કરી હતી.
આરોપ છે કે બોગસ કંપનીઓ અને સોસાયટીઓ બનાવીને રોકાણના નામે દેશભરના ૨૫ લાખ લોકોના ૨૫ લાખ કરોડ રૂપિયા ચાઉં કરી લેવાયા છે. કાકાદેવના રહીશ સુપ્રીમ કોર્ટના વકીલ અજય ટંડન અનુસાર, રોકાણ, હાઉંસીંગ વગેરેના નામ પર આરોપીઓની કંપનીઓ દ્વારા રકમ એકઠી કરાઇ હતી.
ત્યાર પછી આ રકમ હડપ કરી લેવાઇ હતી. દાવો કરાયો છે કે તેમની પાસે ફ્રોડની દરેકે દરેક સાબિતીઓ છે જે તેમણે પોલિસને સોંપી છે. અજયે જણાવ્્યું બોગસ કંપનીઓ બનાવીને આરોપીઓએ કાળા નાણાને સફેદ બનાવ્યા છે. આ છેતરપિંડી આખા દેશમાં કરાઇ છે.
ગરીબો અને મજૂરો પણ આ છેતરપિંડીના શિકાર બન્યા છે. અજયનું કહેવું છે કે આમાં કેટલાય મોટા નેતાઓ સહિત અન્ય નામચીન હસ્તિઓ પણ સામેલ છે. અજય ટંડન અનુસાર, આરોપીઓએ સહારા ઇન્ડિયા રીયલ એસ્ટેટ કોર્પોરેશન, સહારા હાઉંસીંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, સહારા ઇન્ડિયા ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી, સહારીયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી, હમારા ઇન્ડિયા ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી, સ્ટાર મલ્ટી પર્પઝ સોસાયટી, સહારા ઇન્ડિયા કોમર્શીયલ કોર્પોરેશન, સહારા હાઉંસીંગ ફાઇનાન્સ કોર્પોરેશન, સહારા કયુ શોપ પ્રોડકટ, સહારા કયુ ગોલ્ડ માર્ટ લીમીટેડ, સહારા પ્યોર ઇટેબલ્સ કોર્પોરેશન, સહારા યુનિવર્સલ માઇનીંગ કોર્પોરેશન, એમ્બી વેલીસીટી ડેવલપર્સ, સહારા ઇન્ડિયા ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન સહિત અન્ય કેટલીક સોસાયટી અને હજારો કંપનીઓ દ્વારા છેતરપીંડી કરી છે.

આ છે આરોપીઓ

સહારાના પ્રમુખ સુબ્રતો રોય, તેની પત્નિ સ્વપ્ના રાય, પુત્રો સુશાંતુ રોય અને શીમાંતો રોય, પુત્ર વધુ ચાંદની રોય અને રિચા રોય, ભાઇ જેબી રોય ઉંપરાંત ડાયરેકટર જીતેન્દ્ર કુમાર વાર્ષ્ણય, ઓડીટર પવન કપૂર, ડાયરેકટર કરૂણેશ અવસ્થી, અનિલકુમાર પાંડે, રાણા ઝીયા, ડી કે શ્રીવાસ્તવ, રોમી દત્તા, પ્રદિપ શ્રીવાસ્તવ, ઓમ પ્રકાશ શ્રીવાસ્તવ, અબ્દુલ  દબીર અને ઓડીટર આર એન ખન્નાને આરોપી બનાવાયા છે.

 

(11:00 am IST)