Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ઓમીક્રોન વેરીયન્ટના વધતા ખતરા સામે બ્રિટનમાં આજથી નવા બુસ્ટર ડોઝની ગાઇડ લાઇન લાગુ

અસરગ્રસ્તના સંપર્કમાં આવેલા લોકોને ફરજીયાત ૧૦ દિવસ કોરોન્ટાઇન થવુ પડશેઃ દુકાનો અને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં માસ્ક ફરજીયાતઃ ક્રિસમસ પાર્ટીઓ અને મેળાવડા ઉપર હજુ કોઇ નિષેધ નહીં: લેબર, સ્કોટલેન્ડ સરકાર અને વેલ્સ દ્વારા પ્રાઇમ મિનીસ્ટર દ્વારા કડક પગલા નહિ લેવાય રહ્યાનો આક્ષેપ

ઇંગ્લેન્ડ, તા., ૩૦: પ્રાઇમ મિનિસ્ટર બોરીસ જહોનસને ઓમીક્રોન વેરીએન્ટના વધતા ખતરા સામે નવા કોવીડ નિયમોની ઘોષણા કરી છે. આજથી જ આ નિયમો લાગુ પડશે જેમાં  તમામ પુખ્તવયના લોકો માટે નવા બુસ્ટર ડોઝની ગાઇડ લાઇન આપવામાં આવી છે. સાથે સાથે ફેઇસ માસ્કને શોપીંગ મોલ, ગીફટ શોપ, ઇન્ડોર શોપીંગ સેન્ટર, બેન્કસ, પોસ્ટ ઓફીસીઝ અને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં ફરજીયાત બનાવવામાં આવ્યું છે અને મુસાફરી માટેના કોવીડ કાયદા વધુ કડક બનાવાયા છે.  ક્રિસમસ પાર્ટીઓ અને મેળાવડા ઉપર હજુ કોઇ નિષેધ લાદવામાં નથી આવ્યો.

સોમ અને મંગળવારથી અસરકારક બનેલા આ નિયમોમાં ઓમીક્રોન અસરગ્રસ્તના સંપર્કમાં આવેલા લોકો માટે ફરજીયાત ૧૦ દિવસ આઇસોલેટ રહેવા કહેવાયું છે. છતાં લેબર અને સ્કોટલેન્ડ સરકાર તેમજ વેલ્સ એવું કહી રહયા છે કે આ પગલા પુરતા નથી. તેઓ આક્ષેપ કરી રહયા છે કે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા શિયાળા માટેનો પ્લાન-બી હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી.

કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. જેમ-જેમ લોકો આ મહામારીમાંથી ઉગરી રહયા છે તેમ તેમ નવા વાયરસ તાંડવ કરવા લાગે છે. હાલમાં કોવીડ-૧૯નું નવુ વેરીએન્ટ એમીક્રોન વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યું છે. જેને ખુબ જ ઘાતક માનવામાં આવી રહયું છે.

બ્રિટનના જુનીયર સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, ઓમીક્રોનના ખતરાને સામે રાખી દેશમાં નવા બુસ્ટર ડોઝના દિશા નિર્દેશો જલ્દી આપવામાં આવશે. ટીકાકરણ અને ઇમ્યુનાઇઝેશન સંયુકત સમીતીએ ૪૦ વર્ષથી ઓછી વયના લોકો માટે વેકશીનેશનના બીજા ડોઝ અને બુસ્ટર ડોઝ વચ્ચે અંતર ઓછુ કરવા કહયું છે. આ માટેની સતાવાર ઘોષણા બાકી છે. આ વચ્ચે બ્રિટનના સતાધીશોએ જાહેર કર્યુ છે કે સુપર મ્યુટેન્ટ કોરોના સ્ટ્રેન સામે મજબુત સુરક્ષા આપતી બ્રિટનની વેકસીન પહેલેથી જ પરીક્ષણના અંતિમ સ્ટેજમાં છે. ફાઇઝર/બાયોએનટેક, જોન્સન એન્ડ જોન્સન, એસ્ટ્રાજેનેકા અને નોવાવેકસના નિર્માતાઓએ નવા વેરીએન્ટ સામે લડવા પોતાની રણનીતિ બનાવી લીધી છે.

(3:48 pm IST)