Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

આમ આદમીને મોંઘવારીનો વધુ એક માર : કાલથી મોંઘી બનશે આ વસ્તુઓ

પહેલી ડિસેમ્બરથી તમારા જીવન સાથે જોડાયેલા અનેક નિયમો બદલાઈ રહ્યા છે : અનેક વસ્તુ અને સેવા મોંઘી થઈ રહી છેઃ જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

નવી દિલ્હી, તા.૩૦: ડિસેમ્બર મહિનાથી મોંઘવારીનો વધુ એક માર જોવા મળી શકે છે. ડિસેમ્બરથી અનેક વસ્તુ અને સેવા મોંઘી થઈ રહી છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ૧ ડિસેમ્બરથી કયા કયા નિયમો બદલાઈ રહ્યા છે તે જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે. પહેલી ડિસેમ્બરથી તમારા જીવન સાથે જોડાયેલા અનેક નિયમો બદલાઈ રહ્યા છે. પહેલી ડિસેમ્બરથી એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે. શકય છે કે ગેસની કિંમતમાં વધારો થઈ શકે છે. જોકે, સામાપક્ષે સરકાર સબસિડી ફરી શરૂ કરી શકે છે. બીજી તરફ દરેક ઘરમાં જેની જરૂરિયાત રહે છે તે દીવાસળીની પેટીની કિંમત પહેલી ડિસેમ્બરથી બે-ગણી થઈ જશે.

ગેસ સિલિન્ડરની કિંમતઃ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલન્ડરની નવી કિંમત જાહેર કરવામાં આવે છે. મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ અને ઘરેલૂ સિલિન્ડરના ભાવ નક્કી થાય છે. આ વખતે ગેસની કિંમતમાં વધારો શકય છે. બીજી તરફ સરકાર ગેસ સિલિન્ડર પર સબસિડી ફરી શરૂ કરીને લોકોને રાહત પણ આપી શકે છે.

SBI ક્રેડિટ કાર્ડ : જો તમે SBI ક્રેડિટ કાર્ડ ધારક છો તો ૧ ડિસેમ્બરથી EMI શોપિંગ મોંઘી બનશે. એસબીઆઈના ક્રેડિટ કાર્ડ પર અત્યારસુધી EMI પર ફકત વ્યાજ ચૂકવવાનું રહેતું હતું. જોકે, ૧ ડિસેમ્બરથી તમારે પ્રોસેસિંગ ચાર્જ પણ ચૂકવવો પડશે. કાર્ડ ધારકે હવે EMI પર ૯૯ રૂપિયા પ્રોસેસિંગ ચાર્જ અને તેના પર ટેકસ ચૂકવવો પડશે.

PNBનો ગ્રાહકોને ઝટકોઃ પંજાબ નેશનલ બેંક પોતાના ખાતાધારકોને મોટો ઝટકો આપવા જઈ રહી છે. ૧ ડિસેમ્બર ૨૦૨૧ થી સેવિંગ એકાઉન્ટ પર વ્યાજદરમાં દ્યટાડો થશે. બેંકની અધિકારિક વેબસાઇટ પ્રમાણે વાર્ષિક વ્યાજદરમાં ૦.૧૦ ટકાનો દ્યટાડો કરવામાં આવશે. પહેલા ૨.૯૦ ટકા વ્યાજદર હતો તેને ઘટાડીને ૨.૮૦ ટકા કરવાનો નિર્ણય બેંક તરફથી લેવામાં આવ્યો છે. આ પહેલા પીએનબીએ પહેલી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ બચત ખાતા પર વ્યાજદર દ્યટાડીને ૨.૯૦ ટકા કરી દીધો હતો.

દીવાસળીની પેટી મોંઘી થશેઃ દૈનિક ઉપયોગમાં આવતી દીવાસળીની પેટીની કિંમત ૧૪ વર્ષ પછી વધવા જઈ રહી છે. ૧ ડિસેમ્બરથી દીવાસળીની એક પેટીની કિંમત ૧ રૂપિયાથી વધીને ૨ રૂપિયા થશે. આ પહેલા નિર્માતાઓ દીવાસળીની સાઇઝ નાની કરીને ભાવમાં વધારો ટાળી રહ્યા હતા. નિર્માતાઓની કહેવું છે કે કાચા માલની કિંમત ખૂબ વધી ગઈ હોવાથી ભાવ વધારો જરૂરી બન્યો છે. જોકે, સારી વાત એ હશે કે હવે દીવાસળીની એક પેટીમાં ૩૬ના બદલે ૫૦ દીવાસળી હશે.

UAN-આધાર લિંકઃ જો તમે નોકરિયાત છો તો તમારા UNA (Universal account number)ને પાન કાર્ડ સાથે ૩૦મી નવેમ્બર સાથે લિંક કરી દો. પહેલી ડિસેમ્બર, ૨૦૨૧થી કંપનીઓને ફકત એવા કર્મચારીઓના ECR ફાઇલ કરવાનું કહેવામાં આવ્યું છે જેનું UAN અને Aadhaar કાર્ડ વેરિફાઈ થઈ ગયા હોય.

હોમ લોન ઓફરઃ ફેસ્ટિવલ સિઝન દરમિયાન મોટાભાગની બેંકોએ હોમ લોન પર વિવિધ ઓફર્સ આપી હતી. જેમાં પ્રોસેસિંગ ફી માફત તેમજ ઓછા વ્યાજદરે લોન સામેલ હતા. મોટાભાગની બેંકોની ઓફર ૩૧ ડિસેમ્બરના રોજ ખતમ થઈ રહી છે. જોકે, LIC હાઉસિંગ ફાઇનાન્સની ઓફર ૩૦મી નવેમ્બરના રોજ ખતમ થઈ રહી છે.

લાઇફ સર્ટિફિકેટઃ જો તમે પેન્શનર્સની યાદીમાં આવો છો તો તમારા પાસે ફકત આજનો દિવસ બચ્યો છે. જો ૩૦ નવેમ્બર સુધી લાઇફ સર્ટિફિકેટ જમા નહીં કરાવો તો ૧ ડિસેમ્બરથી તમને પેન્શન મળવાનું બંધ થઈ જશે.

(3:50 pm IST)