Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

સંસદ : સસ્પેન્શન તો રદ્દ નહી થાય... : મર્યાદા ભંગ કરીને પછી મને શીખવાડો છો ?

૧૨ સાંસદોના સસ્પેન્શન પાછા ખેંચવાની માંગ બાદ નાયડુએ વિપક્ષને આડે હાથ લીધો

નવી દિલ્હી તા. ૩૦ : રાજયસભાના ૧૨ વિપક્ષી સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચાશે નહીં. સસ્પેન્શન પાછું ખેંચવાની વિપક્ષની માંગ પર અધ્યક્ષ વેંકૈયા નાયડુએ આ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે સાંસદો પસ્તાવો કરવાને બદલે તેમના કાર્યોને સાચા ઠેરવી રહ્યા છે. તેથી તેમનું સસ્પેન્શન પાછું ખેંચવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે રાજયસભાના ૧૨ સભ્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ગત સત્રમાં પણ ખેડૂતોના આંદોલન અને અન્ય પ્રશ્નોના બહાને ગૃહમાં ભારે હોબાળો થયો હતો.

શિયાળુ સત્રના બીજા દિવસે જયારે રાજયસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નિયમોને ટાંકીને કહ્યું હતું કે સાંસદોના સસ્પેન્શન માટે કોઈ કારણ નથી, તેથી તેમના સસ્પેન્શનનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ. ખડગેએ વિપક્ષના તમામ ૧૨ સાંસદોને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપવા માટે અધ્યક્ષ પાસે પરવાનગી માંગી હતી.ત્યારબાદ અધ્યક્ષે વિપક્ષને કહ્યું હતું કે સસ્પેન્શનની કાર્યવાહી તેમની નહીં પરંતુ ગૃહની છે. સંસદીય નિયમોની કલમ ૨૫૬ ની પેટા કલમ ૨ નો સંદર્ભ આપીને તેમણે કહ્યું હતું કે ૨૫૬(૨) કહે છે કે ગૃહમાં કોઈપણ સભ્ય અથવા ઘણા સભ્યોના અસહ્ય વર્તન પર, અધ્યક્ષ આવા સભ્ય અથવા સભ્યોના નામ ગૃહ સમક્ષ મૂકશે કે શું આ સભ્યો વિરૂદ્ઘ કાર્યવાહી માટે પ્રસ્તાવ મૂકવો જોઈએ કે નહીં.

આ રીતે, કોઈપણ રાજયસભાના સભ્યને સસ્પેન્ડ કરવા માટે માત્ર બે મુખ્ય નિયમ છે, પહેલો નિયમ સસ્પેન્શન પહેલા અધ્યક્ષે આવા સભ્યોના નામ જણાવવા જોઈએ, ત્યારબાદ જ સસ્પેન્શનની દરખાસ્ત આગળ વધી શકે છે. વધુ મહત્ત્વની વાત એ છે કે આ પ્રક્રિયા એ જ તારીખ સુધી સંબંધિત રહેશે જે દિવસે સભ્યોનું અયોગ્ય વર્તન સામે આવ્યું હતું.

પરંતુ, ગઈકાલે સંસદીય બાબતોના પ્રધાન દ્વારા કરવામાં આવેલ સસ્પેન્શનની દરખાસ્તમાં અગાઉના સત્રનો પણ સંદર્ભ છે. આ કિસ્સામાં, અધ્યક્ષે તે દિવસે કોઈ સભ્યનું નામ લીધું ન હતું. આવી સ્થિતિમાં, ઘટનાના મહિનાઓ પછી સસ્પેન્શનની દરખાસ્ત લાવવી સંસદીય શાસનની વિરૂદ્ઘ છે. એવો મત વિરોધ પક્ષે રજૂ કર્યો હતો.

૧૦ ઓગસ્ટના રોજ આ સભ્યોએ ગૃહની મર્યાદાનો ભંગ કર્યો હતો. અધ્યક્ષે કહ્યું, 'તમે ગૃહને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, તમે અરાજકતા સર્જી, તમે ગૃહમાં હંગામો કર્યો, તમે પેડસ્ટલ પર કાગળ ફેંકયો, કેટલાક ટેબલ પર ચડી ગયા અને મને પાઠ ભણાવી રહ્યા છો.' આ યોગ્ય માર્ગ નથી. દરખાસ્ત પસાર કરવામાં આવી, કાર્યવાહી કરવામાં આવી છે અને આ અંતિમ નિર્ણય છે.

તેમણે કહ્યું કે સાંસદો તેમના વર્તનનો પસ્તાવો કરવાને બદલે તેને યોગ્ય ઠેરવી રહ્યા છે, તેથી મને નથી લાગતું કે વિપક્ષની માંગ પર વિચાર કરવો જોઈએ. અધ્યક્ષે કહ્યું કે સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાનો પ્રશ્ન જ નથી. અધ્યક્ષે કહ્યું કે સસ્પેન્ડ કરાયેલા સભ્યો હવે ગૃહમાં આવશે ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ગૃહની ગરિમા અને દેશવાસીઓની અપેક્ષાઓનું ધ્યાન રાખશે.(

(3:50 pm IST)