Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ગહેલોત સામે બસપાના ધારાસભ્યોએ મોરચો ખોલ્યો

રાજસ્થાન કોંગ્રેસમાં સત્તાનું કમઠાણ જારી : બહુજન પાર્ટીના ૬ ધારાસભ્યો પૈકીના રાજેન્દ્ર ગુઢાને મંત્રી બનાવાયા છે પણ અન્ય પાંચને મંત્રી બનાવવા માગ

જયપુર, તા.૩૦ : રાજસ્થાન કોંગ્રેસમાં આંતરિક કલહ હજી પણ યથાવત છે. મંત્રી મંડળમાં સચિન પાયલોટ જૂથના ધારાસભ્યોને સ્થાન અપાયુ છે ત્યારે હવે બહુજન સમાજવાદી પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યોએ ગહેલોટ સરકાર સામે મોરચો ખોલ્યો છે. મળતી વિગતો પ્રમાણે આ ૬ ધારાસભ્યો પૈકીના રાજેન્દ્ર ગુઢાને મંત્રી બનાવાયા છે પણ તેમણે હજી સુધી ચાર્જ લીધો નથી.તેમણે મંત્રી તરીકેની પોતાની કાર પણ પાછી મોકલી દીધી છે. ગુઢાનુ કહેવુ છે કે, હું એકલો કોંગ્રેસમાં નહોતો જોડાયો.હું એકલો મંત્રી નહીં બનુ, મારી સાથે આવેલા પાંચ ધારાસભ્યોને પણ કોંગ્રેસ મંત્રી બનાવે.ગુઢા એ વાતથી પણ નારાજ છે કે, તેમની સાથે કોંગ્રેસમાં આવેલા બસપાના ધારાસભ્યને કેબિનેટ મંત્રી બનાવાયા છે અને ગુઢાને પોતાને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે. એવુ મનાઈ રહ્યુ છે કે, બસપામાંથી આવેલા અને સરકારને ટેકો આપનારા અપક્ષ ધારાસભ્યોને પણ કોઈને કોઈ પદ આપીને રાજી કરવામાં આવશે.આ માટે કોંગ્રેસના પ્રભારી અજય માકન રાજસ્થાન જઈ રહ્યા છે.

(7:12 pm IST)