Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

કાલે યોજાશે લોકશાહીના પ્રથમ તબક્કાનું મહાપર્વ

કાલે સવારે ૮ થી સાંજે ૫ સુધી મતદાન થઇ શકશે : ૭૦ મહિલાઓ સહિત ૭૧૮ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ કરશે ૨,૩૯,૭૬,૬૭૦ મતદારો : ૨૫૪૩૦ મતકેન્‍દ્રો : સર્વત્ર ચુસ્‍ત બંદોબસ્‍ત : પ્રથમ તબક્કાની ચૂંટણીનું કાઉન્‍ટડાઉન : સૌરાષ્‍ટ્ર - કચ્‍છ - દ.ગુજરાતની ૮૯ બેઠકો માટે મતદાન : તૈયારીઓ પૂર્ણ

નવી દિલ્‍હી તા. ૩૦ : ગુજરાતમાં આવતીકાલે ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે મતદાન થશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સૌરાષ્‍ટ્ર - કચ્‍છ - દ.ગુજરાતની આ બેઠકો માટે સવારે ૮થી સાંજે ૫ વાગ્‍યા સુધી મતદાન થઇ શકશે. ૭૦ મહિલાઓ સહિત ૭૧૮ ઉમેદવારોનું રાજકીય ભાવિ ૨,૩૯,૭૬,૬૭૦ મતદારો ઇવીએમમાં કેદ કરશે. પ્રથમ તબક્કાના મતદાન માટે ૨૫૪૩૦ મતકેન્‍દ્રો ઉભા કરવામાં આવ્‍યા છે. મતદાન ન્‍યાયીઢબે અને શાંતિપૂર્વક થાય તે માટે સર્વત્ર ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં લગભગ તમામ બેઠકો ઉપર ત્રિકોણીય મુકાબલો હોઇ ચૂંટણી રસપ્રદ બની છે. આજે કતલની રાત છે. રાજકીય પક્ષો આવતીકાલની રણનીતિ' આજે રાતભર તૈયાર કરી પોતાની તરફ મતદાન થાય એ માટે ભરપૂર પ્રયાસો કરશે.

પ્રથમ ચરણમાં ૮૯ મતક્ષેત્રોમાં મંગળવારે સાંજે પાંચ વાગ્‍યે જાહેર પ્રચાર પર પ્રતિબંધ અમલમાં આવ્‍યા બાદ હવે રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના રણનીતિકારોએ ૧લી ડિસેમ્‍બરને ગુરૂવારે સવારે ૮થી સાંજના પાંચ કલાક દરમિયાન પોતાની તરફેણમાં વધુને વધુ મતદાન કરાવવા એડીચોટીનું જોર અજમાવવાનું શરૂ કર્યુ છે. બુધવારે કતલની રાત સુધીમાં અનેક અપક્ષો, આગેવાનો, મહોલ્લા, ગામો, સમાજ- સંસ્‍થાઓને પોતાની તરફેણમાં મતદાનની અપીલો કરવવા છેલ્લીઘડીના પ્રયાસો શરૂ થયા છે.

ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા પહેલા અને ત્‍યારબાદ ડિસેમ્‍બરમાં ઠંડી, ટૂંકો દિવસ તેમજ લગ્નસરાની સિઝન જેવા અનેક કારણોને આગળ ધરી મતદાનનો સમય વધારવા રજૂઆત થઈ હતી. જો કે, ECIએ આ રજૂઆતને ગ્રાહ્ય રાખી નથી. આથી, પ્રથમ ચરણમાં ૧લી ડિસેબરને ગુરૂવારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્‍છના ૧૯ જિલ્લામાં ૮૯ મતક્ષેત્રો માટે સવારે આઠ વાગ્‍યાથી સાંજના પાંચ વાગ્‍યા સુધી મતદાન યોજાશે. અલબત્ત ૧૪,૩૮૨ સ્‍થળોએ આવેલા ૨૫,૪૩૦ મતદાન મથકોમાં સાંજે પાંચ વાગ્‍યા સુધી જે મતદાર લાઈનમાં હશે તેમને મતાધિકારનો ઉપયોગ કરવાની તક ઉપલબ્‍ધ થશે. ૮૯ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, BSP, BTP, AAP, SP સહિતના ૩૯ રાજકીય પક્ષોના ૭૮૮ ઉમેદવારો ચૂંટણીમાં છે. ECIએ મૂક્‍ત ન્‍યાયી અને પારદર્શક ચૂંટણી સંચાલન માટે મતદાન મથકોમાં ૩૪,૩૨૪માં EVM સાથે જ VVPAT અને કુલ મતદાન મથકોના ૫૦ ટકા લેખે ૧૨,૭૧૫ મથકોનું લાઈવ વેબકાસ્‍ટિંગ કરવાનું આયોજન કર્યુ છે.

ECIએ સુરત સહિતના દક્ષિણ ગુજરાત, રાજકોટ, જામનગર, મોરબી સહિતના સૌરાષ્ટ્ર તેમજ કચ્‍છમાં આવેલા ઉદ્યોગ- ધંધાના કામદારોને ૧લી ડિસેમ્‍બરને ગુરૂવારે સવેતન રજા આપવા સુચના આપી છે. આ તરફ લગ્નગાળો અને ચૂંટણીમાં ઉત્‍સાહના અભાવને તોડી મતદારોને પોતાની તરફેણમાં મતદાન તરફ વાળવા ઉમેદવારો, તેમના સમર્થકોએ જેટ વિમાનની ગતિએ સમજાવટના પ્રયાસો આદર્યા છે.

ECIના ગુજરાત સ્‍થિત મુખ્‍ય નિર્વાચન અધિકારી- CEO પી.ભારતીએ કહ્યુ કે, મંગળવારે સાંજે પાંચ વાગ્‍યે જાહેરમાં પ્રચાર પડધમ શાંત થયા બાદ મતદાન પૂર્ણ ન થાય ત્‍યાં સુધીના ૪૮ કલાક દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો મીડિયા અને સોશિયલ મીડિયા પણ ચૂંટણી પ્રચાર કરી શકશે નહી. આ આચારસંહિતાનો અમલ કરવાનો રહેશે.

પહેલા ચરણમાં ૮૯ પૈકી ૮૭ મતક્ષેત્રોમાં એક બેલેટ EVM મતદાન લેવાશે. જયારે પુલ તુટવાની જયાં ઘટના ઘટી હતી તે ૬૫- મોરબી વિધાનસભા ક્ષેત્રમાં ૧૭ ઉમેદવારો હોવાથી બે EVM મુકાશે. સુરતના લિંબાયતમાં ૪૪ ઉમેદવારો હોવાથી કુલ ૩ EVM મુકાશે. આમ, આ બંને ક્ષેત્રોમાં રાજકીય પક્ષો કરતા સૌથી વધુ અપક્ષો ચુંટણીમાં છે. પ્રથમ ચરણની ચૂંટણીમાં રિર્ઝવ સહિતના કુલ ૩૪,૩૨૪ બેલેટ યુનિટ અને એટલા જ કાઉન્‍ટિંગ યુનિટી- CU જયારે ૩૮,૭૪૯ને તૈયાર કરવામાં આવ્‍યા છે.

૧લી ડિસેમ્‍બરે વિધાનસભાચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ ચૂંટણી પ્રક્રિયા નિષ્‍પક્ષ અને કોઈ અનિચ્‍છનિય બનાવ વિના પૂર્ણ થાય તે માટે પોલીસ અને સેન્‍ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ, એસઆરપી જવાનોનો જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવવામાં આવશે. મતદાનના દિવસે પોલીસ બેડાના અધિકારીઓ, સીએપીએફની કંપની, એસઆરપીની ટૂંકડી ઉપરાંત સાડા ચાર હજારથી વધુ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી જવાનો કાયદો-વ્‍યવસ્‍થાની જવાબદારી સંભાળી લોકશાહીના મહાપર્વને નિર્વઘ્‍ને પાર પાડશે.

(10:56 am IST)