Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

અમેરિકામાં સમલૈંગિક વિવાહ બિલ પાસઃ પક્ષમાં પડ્‍યા ૬૧ મત

બાઇડને કહ્યું - પ્રેમ તો પ્રેમ હોય છે ! : અમેરિકામાં હવે સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્‍યતા મળી ગઈ

વોશીંગ્‍ટન, તા.૩૦: અમેરિકામાં હવે સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્‍યતા મળી ગઈ છે. અમેરિકી સંસદે સમાન સેક્‍સ મેરેજ બિલને પાસ કરી દીધું છે. LGBTQ સમાજ માટે એક મોટા ખુશીના સમાચાર આવ્‍યા છે. અમેરિકી સેનેટમાંથી બિલ પાસ થતાં જ અમેરિકી રાષ્‍ટ્રપતિ જો બાઈડને ખુશી જાહેર કરી છે.

બિલ પસાર થવા પર અમેરિકી રાષ્‍ટ્રપતિ બાઈડને કહ્યું કે, પ્રેમ તો પ્રેમ હોય છે અને અમેરિકાનોને તે વ્‍યક્‍તિ સાથે લગ્ન કરવાનો અધિકાર હોવો જોઈએ, જેને તે પ્રેમ કરે છે. બાઈડને કહ્યું કે, અમેરિકી સેનેટે આજે સમલૈંગિક લગ્ને સન્‍માન આપીને સાબિત કરી દીધું છે કે, અમેરિકા એક મૌલિક સત્‍યની પુષ્ટિ કરવાની ચરમ પર છે.

રાષ્‍ટ્રપતિ બાઈડેને પોતાના નિવેદનમાં જણાવ્‍યું છે કે, આ બિલના સમર્થનમાં ૬૧ વોટ પડ્‍યા છે, જ્‍યારે ૩૬ લોકોએ આ બિલનો વિરોધ કર્યો છે. હવે આ બિલ પર રાષ્‍ટ્રપતિની સાઈન થતાં કાયદામાં પરિવર્તન થશે. સેનેટમાં સત્તાપક્ષના નેતા ચક શુભરે બિલ પાસ થવા પર ખુશી વ્‍યક્‍ત કરી હતી. તેમણે કહ્યું કે, LGBTQ અમેરિકનો માટે વધારે ન્‍યાય માટે એક મહત્‍વનું પગલું છે.

આપને જણાવી દઈએ કે, સમલૈંગિકતા અમેરિકામાં દાયકાઓથી મોટો મુદ્દો રહ્યો છે. ૨૦૧૫માં અમેરિકી સુપ્રીમ કોર્ટે સમલૈંગિક સમાજને માન્‍યતા આપી હતી. તો વળી જૂનમાં અમેરિકાની સર્વોચ્‍ચ અદાલતે ગર્ભપાતને કાયદાકીય રીતે મંજૂરી આપનારા ૫ દાયકા જૂના નિર્ણયને ફરેવી તોળ્‍યો હતો. આ ઘટનાથી LGBTQ સમાજ ડરી ગયો હતો. પ્રગતિવાદીઓને ડર હતો કે, સમાન લિંગ વિવાહ પણ ખતરામાં આવી શકે છે.

(4:25 pm IST)