Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૪ રૃપિયા સુધીનો ઘટાડો થઈ શકે

ક્રૂડ ઓઇલની કિંમત ૮ મહિનાથી નિચલા સ્તરે : ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી રિફાઈનરીઓ માટે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત ઘટીને બેરલ દીઠ ૮૨ ડોલર

નવી દિલ્હી, તા.૩૦ : હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ૮ મહિનાથી નિચલા સ્તરે જોવા મળે છે. અત્યારે પ્રતિ બેરલ ૮૧ ડોલરથી પણ નીચે આવી ગયો છે. જ્યારે અમેરિકી ક્રૂડ ઓઇલ અંદાજે ૭૪ ડોલર પ્રતિ બેરલ છે. તો આ દ્રષ્ટિએ ક્રૂડ ઓઇલના ભાવ ઓછા થવાથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૪ રૃપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. તો મે મહિના બાદ પહેલીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડાથી ભારતીય રિફાઈનરીઓ માટે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત ઘટીને બેરલ દીઠ ૮૨ ડોલર થઈ ગઈ છે. જે માર્ચ મહિનામાં ૧૧૨.૮ ડોલર હતી. તે મુજબ છેલ્લા ૮ મહિનામાં રિફાઈનિંગ કંપનીઓ માટે ક્રૂડ ઓઇલની કિંમતમાં ૩૧ ડોલર (૨૭%)નો ઘટાડો થયો છે.

નિષ્ણાતોના મતે દેશની ઓઇલ કંપનીઓ ક્રૂડમાં દર ઇં૧ના ઘટાડા માટે રિફાઇનિંગ પર પ્રતિ લિટર ૪૫ પૈસા બચાવે છે. આ મુજબ જોઈએ તો પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૪ રૃપિયા પ્રતિ લીટર ઓછો હોવો જોઈએ. જો કે નિષ્ણાતોના મત મુજબ સમગ્ર ઘટાડો એક જ વારમાં કરવામાં નહિ આવે.

વર્ષ ૨૦૧૦ના જુન સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર ૧૫ દિવસે તેમાં ફેરફાર થતો હતો. પરંતુ ૨૬ જૂન ૨૦૧૦ પછી સરકારે તેલ કંપનીઓને પેટ્રોલના ભાવ નક્કી કરવાનું કહ્યુ છે. આવી જ પ્રમાણે ઓક્ટોબર ૨૦૧૪ સુધી ડીઝલના ભાવ સરકાર નક્કી કરતી હતી. એટલે આ રીતે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થાય છે. ૧૯ ઓક્ટોબર ૨૦૧૪થી સરકારે ભાવ નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓને સોંપી દીધું હતું. હાલમાં ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ અને ડીઝલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં

રાખીને પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરે છે.

દેશમાં હાલ પેટ્રોલ-ડીઝલની જે કિંમતો ચાલી રહી છે તે મુજબ તો ક્રૂડ ઓઇલનું ઈન્ડિયન બાસ્કેટ અંદાજે ૮૫ ડોલર પ્રતિ બેરલ હોવો જોઈએ પરંતુ આ ભાવ ૮૨ ડોલરની આસપાસ આવી ગયો હોવાથી આ અત્યારે ઓઇલ માર્કિંગ કંપનીઓ પ્રતિ બેરલ (૧૫૯ લીટર) રિફાઈનિંગ પર અંદાજે ૨૪૫ રૃપિયા બચાવ કરતી હશે.

ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીના જણાવ્યા મુજબ સરકારી ઓઇલ કંપનીઓને પેટ્રોલ વેંચાણ પર હવે નફો થવા લાગ્યો છે. પરંતુ ડીઝલ પર હજુ પણ ૪ રૃપિયા પ્રતિ લીટર સુધીનું નુક્સાન થઈ રહ્યું છે. અત્યારસુધીમાં બ્રેંટ ક્રૂડ અંદાજે ૧૦% સસ્તું થઈ ગયું છે.

પેટ્રોલિયમ નિષ્ણાતના જણાવ્યા મુજબ બ્રેન્ટ ઝડપથી ઇં૭૦ તરફ આગળ વધી રહ્યું છે. આનાથી ચોક્કસપણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે પરંતુ તેમાં થોડો સમય લાગશે. તેલની આયાતથી રિફાઈનિંગ સુધીનું ચક્ર ૩૦ દિવસનું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં ઘટાડો થયા પછી તેની અસર એક મહિના પછી જોવા મળશે.

ભારતમાં છેલ્લા ૬ મહિનાથી તેલના ભાવ લગભગ સ્થિર છે. જુલાઈ ૨૦૨૨માં મહારાષ્ટ્રમાં પેટ્રોલ ૫ રૃપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૩ રૃપિયા પ્રતિ લિટર સસ્તું થયું હતું. જો કે અન્ય રાજ્યોમાં કોઈ ફેરફાર નથી.

પેટ્રોલ અને ડીઝલના ભાવ બાબતે મહત્વના કારણો

*   રૃપિયા સામે અમેરિકી ડોલરનો દર

*   કેન્દ્ર અને રાજ્ય સરકારોથી વસૂલાતો કર

*   ક્રૂડ ઓઇલની કિંમત

*   દેશમાં ઇંધણની માગ

આજે દેશ તેની જરૃરિયાતના ૮૫% કરતાં વધુ ક્રૂડ ઓઇલ બહારથી ખરીદે છે. તેની કિંમત આપણે ડોલરમાં ચૂકવીએ છીએ.

ક્રૂડ ઓઇલ બેરલમાં આવે છે અને એક બેરલ એટલે ૧૫૯ લિટર ક્રૂડ ઓઇલ થયું. આ સ્થિતિમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો અને ડોલરની મજબૂતી મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાતા રહે છે.

(7:49 pm IST)